ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા પોતાની લાંબા સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આજે મોટી સંખ્યામાં વન રક્ષકો અને કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ ધરણા પ્રદર્શન યોજી સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળે છેલ્લા કેટલાક સમયથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી છતાં પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો આગામી સમયમાં વહીવટી તંત્ર કે સરકાર દ્વારા આ 6 માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વન રક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ પ્રશાંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અત્યંત જોખમી પરિસ્થિતિમાં ફરજ બજાવતા હોય છે, પરંતુ તેમની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. સરકાર અમારી ન્યાયી માંગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહી છે, જે હવે સહન થાય તેમ નથી. જો વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો અમારે ફરજિયાતપણે આંદોલનને વધૂ વેગવંતુ કરવું પડશે.
વન રક્ષકો દ્વારા મુખ્યત્વે 6 જેટલી મહત્વપૂર્ણ માંગણીઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી મોટો મુદ્દો જોખમી ફરજો માટે જોખમ ભથ્થું અથવા જાહેર સુરક્ષા ભથ્થું ફાળવવાનો છે. વન વિભાગના કર્મચારીઓ અવારનવાર વન્યપ્રાણીઓ સાથેના સંઘર્ષ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામતી વખતે જોખમમાં મૂકાતા હોય છે.
આ ઉપરાંત રજાના પગારની ગણતરી બેઝિક, ડીએ અને સીએલએ ના આધારે કરવાની અને 48 દિવસની મર્યાદા હટાવીને પૂરા દિવસોનો પગાર ચૂકવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
વધુમાં, સરકારી કરકસર નીતિ હેઠળ અગાઉ બંધ કરવામાં આવેલી ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ ફરીથી ચાલુ કરવા, મહેકમમાં વધારો કરવા તેમજ પ્રમોશનનો રેશિયો સુધારવાની માગ કરાઈ છે.
કર્મચારીઓની એવી પણ માગ છે કે ફોરેસ્ટર અને આરએફઓની સીધી ભરતી પ્રક્રિયા બંધ કરી, વર્ષોથી અનુભવ ધરાવતા આંતરિક સ્ટાફને બઢતી આપવામાં અગ્રતા આપવામાં આવે. આ સાથે ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરોના ગ્રેડ-પેમાં પ્રવર્તતી વિસંગતતાઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને લાંબા સમયથી પડતર રહેલા બદલીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે પણ ઉગ્ર માગ કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ ધરણા પ્રદર્શન અને ચીમકી બાદ હવે રાજ્ય સરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું નિર્ણયો લે છે અને કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે કયા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
