કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા, સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવા અને રોગચાળા સામેની કામગીરીને અસરકારક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કક્ષાની 17 જેટલી આરોગ્યલક્ષી સમિતિઓની કામગીરીની સમીક્ષા કરીને વિવિધ કાર્યક્રમોની પ્રગતિ, લક્ષ્યાંકો અને ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય વિભાગની સેવાઓનો લાભ જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તથા કોઈપણ વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. આ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા અને કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સમીક્ષા દરમિયાન સંચારી રોગોના નિયંત્રણ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, જિલ્લા ગુણવત્તા ખાતરી સમિતિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળની ફરિયાદોના નિવારણ સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી.
રસીકરણ કાર્યક્રમની પ્રગતિ, કિશોરોના આરોગ્યલક્ષી પ્રશ્નો, જન્મ-મરણ નોંધણી અને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્ષયરોગ નિયંત્રણ, ટીબીના દર્દીઓને સહાય, એઈડ્સ નિવારણ, વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ અને રક્તસુરક્ષા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં રોગચાળાની વહેલી ઓળખ અને સમયસર સારવારની વ્યવસ્થા મજબૂત બનાવવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા દર્દીઓને મળતી સહાયને પ્રોત્સાહન આપવા તેમજ JOSH (જોઇન્ટ સ્ક્વોડ ફોર હેલ્થ) ટીમના માધ્યમથી યુવાનોની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગીદારી વધારવા અંગે ચર્ચા થઈ હતી. સાથે જ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી, સ્વચ્છતા, રક્તની ઉપલબ્ધતા અને માતા-બાળ મૃત્યુદર ઘટાડવા માટેના પ્રયાસોને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પણ આવરી લેવાયા હતા.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જિલ્લા સમુદાય સંસાધન જૂથ અને અન્ય આરોગ્યલક્ષી કાર્યક્રમોની કામગીરી સાથે ભાવિ આયોજનની પણ ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાએ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન જાળવી આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને પાત્ર લોકોને યોજનાઓનો લાભ ઝડપથી મળે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપરાંત ફાયર સેફ્ટી વિભાગ, PIU, આંગણવાડી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જી.કે. જનરલ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
