~ મેનીન્જાઈટિસ રસીકરણ, વહેલું નિદાન, ત્વરિત સારવાર અને જાગૃતિથી કાબુમાં લઈ શકાય
વિશ્વભરમાં દર વર્ષે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ મેનીન્જાઈટિસ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “હવે પગલાં લેવાનો સમય આવી ગયો છે”.(“Now is the time for action”) રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ મેનીન્જાઈટિસ સામે રસીકરણ, વહેલા નિદાન અને ત્વરિત સારવાર અંગે જાગૃતિ વધારવાનો છે. અદાણી સંચાલિત ગેઈમ્સના બાળરોગ વિભાગના ડો.રેખાબેન થડાની અને સંદીપ ટીલવાણીએ કહ્યું કે,મેનીન્જાઈટિસ એ મગજ અને કરોડરજ્જુની આસપાસના પડમાં આવતો ચેપ છે, જે મુખ્યત્વે બેક્ટેરિયા, વાયરસ કે ફંગસના ચેપને કારણે થાય છે. ગંભીર પ્રકારનો રોગ છે અને બચી ગયેલા ૫ માંથી ૧ વ્યક્તિમાં ક્યારેક આજીવન ખોડ-ખાંપણ રહી જાય છે.
લક્ષણો અને ઉપાય: હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.યશ્વી દતાણી અને ડો.તરલ કેશરાણીએ ઉમેર્યું કે,તાવ સાથે તીવ્ર માથાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, ઉલટી, પ્રકાશ અસહ્ય લાગવો, બાળકોમાં ધાવણ ન લેવું, સતત રડવું કે ખેંચ આવવી મુખ્ય લક્ષણો છે.
બચાવ જ ઉપાય છે એ અંગે તબીબોએ કહ્યું કે,બાળકોને સમયસર Hib, PCV અને મેનીન્ગોકોકલ રસી અપાવવી, સ્વચ્છતા જાળવવી અને ઉપરોક્ત લક્ષણો જણાય તો તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો.જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મેનીન્જાઈટિસના નિદાન અને સારવારની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
મેનીન્જાઈટિસ માટે રોડમેપ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ૨૦૩૦ સુધીમાં મેનીન્જાઈટિસને હરાવવાનો રોડમેપ બનાવ્યો છે, જેનો ઉદ્દેશ બેક્ટેરિયલ મેનીન્જાઈટિસના કેસોમાં અને મૃત્યુમાં ૭૦ ટકા ઘટાડો કરવાનો છે. વિશ્વમાં એક લાખની વસ્તીએ ૬૦ થી ૮૦ કેશ જોવા મળે છે.
