કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5% વ્યાજ સાથે 9 વર્ષ 7 મહિનામાં પૈસા બમણા થશે

જો તમે આ દિવસોમાં ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના વિશે જાણી લેવું જોઈએ. તેમાં 7.5% વ્યાજ મળી રહ્યું છે.

કિસાન વિકાસ પત્ર ભારત સરકારની સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે. આ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ એટલે કે FD જ છે. તેમાં તમારે ઓછામાં ઓછા અઢી વર્ષ એટલે કે 30 મહિના માટે રોકાણ કરવું પડે છે. તેમાં અઢી વર્ષનો લોક-ઇન પિરિયડ રાખવામાં આવ્યો છે. એટલે કે તમે આટલા વર્ષો સુધી આ યોજનામાંથી પૈસા ઉપાડી શકતા નથી.

  • આ યોજનામાં રોકાણ કરેલી રકમ નિશ્ચિત સમયમર્યાદામાં બમણી થઈ જાય છે. હાલમાં આ સ્કીમની મેચ્યોરિટી અવધિ 115 મહિના (લગભગ 9 વર્ષ 7 મહિના) છે.
  • આ અવધિ વ્યાજદર અનુસાર સમયાંતરે બદલાઈ શકે છે. તેમાં રોકાણની ન્યૂનતમ રકમ 1,000 રૂપિયા છે અને તેની કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

KVP પરનો વ્યાજદર સરકાર દર ત્રિમાસિક ગાળે નક્કી કરે છે. હાલમાં વાર્ષિક 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો અર્થ એ છે કે દર વર્ષે મળતું વ્યાજ મૂળધનમાં ઉમેરાઈ જાય છે અને આગામી વર્ષે તેના પર વ્યાજ મળે છે. આ જ કારણે નિશ્ચિત સમયગાળો પૂર્ણ થવા પર રોકાણની રકમ બમણી થઈ જાય છે.

આ યોજના ખાસ કરીને એવા રોકાણકારો માટે વધુ સારી માનવામાં આવે છે, જેઓ જોખમથી બચવા માંગે છે અને સ્થિર વળતર ઇચ્છે છે. આ રોકાણ વિકલ્પ આ લોકો માટે વધુ ઉપયોગી બની શકે છે-

  • જે લોકો સુરક્ષિત રોકાણ ઇચ્છે છે.
  • જે રોકાણકારો લાંબા ગાળામાં (લૉન્ગ ટર્મ) નફો મેળવવા માંગે છે.
  • જે નિશ્ચિત વળતર પસંદ કરે છે.
  • જે બજારના જોખમથી બચવા માંગે છે.

કોઈપણ ભારતીય નાગરિક આ સ્કીમમાં પૈસા રોકી શકે છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જોકે સગીર વતી વાલી એટલે કે ગાર્જિયન તેમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે. તમે કોઈપણ પોસ્ટ ઑફિસ અને બેંકમાં ઑનલાઇન અથવા ઑફલાઇન જઈને તેમાં રોકાણ કરી શકો છો.

Leave a comment