આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સુખાકારી પણ મહત્વપૂર્ણ બની છે. આ દિશામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકામાં વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ હાઈસ્કૂલો અને ગામોની બહેનો સાથે સતત જાગૃતિ સેશન યોજાઈ રહ્યા છે.
આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને બહેનો જોડાઈ ચૂક્યા છે. સેશનમાં ધ્યાન, શ્વાસ પર એકાગ્રતા, સકારાત્મક વિચારસરણી, તણાવ ઘટાડવાના વ્યવહારુ ઉપાયો, પોતાની ઊર્જા વધારવા અને ખુશહાલ જીવન જીવવા અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવે છે.
આ કાર્યક્રમનું મહત્વનું પરિણામ એ છે કે હવે વિદ્યાર્થીઓની વોલન્ટિયર ટીમ તૈયાર થઈ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા સેશનમાં શીખેલી બાબતોને પોતાના જીવનમાં અમલમાં મૂકવાની સાથે પરિવાર અને ઘરમાં પણ તેનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ રીતે વેલનેસની પ્રેક્ટિસ વ્યક્તિ પૂરતી મર્યાદિત ન રહેતા પરિવાર અને સમાજ સુધી પહોંચે તેવો પ્રયાસ થઈ રહ્યો છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ડૉ. આર્યવ્રત દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને પોતાની સાથે પરિવારના વેલનેસ માટે જવાબદારીની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવે છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને બહેનોને માત્ર કાર્યક્રમના લાભાર્થી નહીં, પરંતુ વેલનેસના એમ્બેસેડર તરીકે તૈયાર કરવાનો છે, જેથી તેઓ પોતાના પરિવાર અને ગામમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવામાં ભાગીદાર બની શકે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા આગામી તબક્કામાં મુન્દ્રા તાલુકાના વધુમાં વધુ ગામો, શાળાઓ અને પરિવારો સુધી પહોંચીને વેલનેસ, માનસિક સુખાકારી અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે.
