હવે ઘૂંટણના સાંધાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે અન્ય નાના-મોટા ઓપરેશન રોબોટિક પદ્ધતિથી થવા લાગ્યા છે. આ પ્રકારના ઓપરેશન વર્ષોના અનુભવી ડોક્ટર પોતે કરે છે અને તેમના કામમાં તેઓ રોબોટિક ટુલ્સની મદદ લે છે. મતલબ કે ઓપરેશન વખતે ડોક્ટર પોતે ઓપરેશન થિયેટરમાં હાજર હોય છે અને તમામ પ્રોસીઝર તેઓ પોતે જ કરે કે કરાવે છે.
આવા જ એક રોબોટિક પધ્ધતિથી ઘૂંટણના સાંધા બદલાવાના ઓપરેશન – નિદર્શન અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે. જનરલ હોસ્પિટલમાં આ સિસ્ટમના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારે હોસ્પિટલના ઓર્થો સર્જન ડો.વિવેક પટેલ, ડો.નવીન ગાગલ અને ડો.તેજ રૂડાણી તેમજ રેસિડેન્ટ્સ તબીબોએ ઉપસ્થિત રહ્યા હતા અને જાતે પણ પ્રોસીઝર હાથ ધરી હતી.
મેડિ. ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં ઘૂંટણના સાંધા બદલાવાના ૬ સફળ ઓપરેશન આ આધુનિક પધ્ધતિથી હાથ ધરવામાં આવ્યા હતા. આ નિદર્શનમાં રોબોટિક સિસ્ટમ દ્વારા ઘૂંટણના સાંધા બદલવાની પ્રક્રિયા કેવી રીતે વધુ ચોકસાઈથી થાય છે તે અંગે તેમજ તેની પધ્ધતિ અંગે તકનીક સહિત વિસ્તૃત માહિતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી.
રોબોટિક સર્જરીના ફાયદા:
તજજ્ઞોએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીથી સૂક્ષ્મ ચોકસાઈથી (Precision) સાંધા ગોઠવાય છે. સર્જરીમાં ઝડપ આવે છે. ઓછો દુખાવો અને ઓછું બ્લીડિંગ તેની સારી અસર છે. દર્દી ઝડપથી ચાલતો થઈ જાય છે અને હોસ્પિટલમાંથી વહેલી રજા મળે છે.
