GHCL ફાઉન્ડેશન દ્વારા 175 ગામોમાં 40 હજાર ખેડૂતોને ડિજિટલ તાલીમ

ગ્રામીણ ગુજરાતમાં શાશ્વત કૃષિ અને ડિજિટલ પશુધન વ્યવસ્થાપન થકી ખેડૂતોની આજીવિકા સુધારવા માટે GHCL લિમિટેડની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) શાખા ‘GHCL ફાઉન્ડેશન’ દ્વારા મોટી પહેલ કરવામાં આવી છે.

સંસ્થાના કૃષિ કાર્યક્રમો થકી હાલમાં 175 થી વધુ ગામોના 40 હજારથી વધુ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, જળ સંરક્ષણ અને પાક વૈવિધ્યકરણ માટે સશક્ત કરવામાં આવી રહ્યા છે.

ખેતીની સાથે પશુપાલનમાં આધુનિક ટેકનોલોજી લાવવા સંસ્થાએ ‘નિતારા’ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે, જેના થકી 48,287 જેટલા પશુપાલકોને સીધો લાભ મળી રહ્યો છે.

આ ડિજિટલ એપ દ્વારા ખેડૂતોને પશુઓનું રસીકરણ, કૃત્રિમ બીજદાન અને આરોગ્યની સમયસર સૂચનાઓ મળે છે. હાલ આ ઇકોસિસ્ટમ સાથે 27,000 પશુઓ જોડાયેલા છે અને કૃત્રિમ બીજદાન કાર્યક્રમમાં 50% જેટલો ગર્ભધારણ દર પ્રાપ્ત થયો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)ના નિષ્ણાતોના સહયોગથી ખેડૂતોને તાલીમની સાથે વર્મીકમ્પોસ્ટ બેગ, જીવામૃત કિટ્સ અને સોલાર લાઇટ ટ્રેપ આપવામાં આવે છે. આ આધુનિક પદ્ધતિઓથી અનેક ખેડૂતોની ચોખ્ખી આવકમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

ઉદાહરણ તરીકે, નખડા ગામના ખેડૂત ભીમશીભાઈ સોલંકીએ ટપક સિંચાઈ અપનાવીને પોતાની વાર્ષિક આવક 50-60 હજારથી વધારીને 4 લાખ સુધી પહોંચાડી છે. જ્યારે અંબાલિયાળાના સોમતભાઈ મકવાણાએ રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન શરૂ કરતાં વીઘે 9 હજારનો ખર્ચ ઘટ્યો છે અને આવક 5.5 થી 6 લાખ સુધી પહોંચી છે.

ખાંભા ગામના પશુપાલક કિંજલને પણ ‘નિતારા’ એપથી રસીકરણ અને કૃત્રિમ બીજદાનમાં સહાય મળતાં 80 હજારની મૂલ્ય ક્ષમતા ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી વાછરડી પ્રાપ્ત થઈ છે.

Leave a comment