ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- પશ્ચિમ કચ્છ કચેરી તથા સ્થાનિક ઉદ્યોગગૃહ અદાણી સિમેન્ટ તથા અદાણી ફાઉન્ડેશન દ્વારા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘સ્વચ્છ તીર્થસ્થાન’ અભિયાન અંતર્ગત સ્થળ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો પર ભાવિક ભક્તોની સેવા પૂજા માટે ખૂબ જ ભીડ રહેતી હોય છે તેના કારણે આ તીર્થસ્થાનની પવિત્રતા અને પર્યાવરણની જાળવણી થાય હેતુથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશ્ચિમ કચ્છ-ભુજ કચેરી દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘સ્વચ્છ તીર્થસ્થાન-પવિત્ર ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ” ના મંત્ર સાથે જી.પી.સી.બી.ના પ્રાદેશિક અધિકારી અને સ્થાનિક અધિકારીઓની ટીમે આ બંને પવિત્ર ધામોની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસરમાં સ્વચ્છતા તેમજ ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી. દર્શનાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો માટે સ્થળ પર જ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ દ્વારા સહભાગી બની સક્રિય સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ માટે અદાણી સિમેન્ટ, સાંઘીપુરમના સી.એમ.ઓ. શ્રી સંજેય વશિષ્ઠસાહેબ તથા પ્લાન્ટ હેડ શ્રી રાજેશ વાઢેર સાહેબના માર્ગદર્શન હેઠળ પવિત્ર સ્થાન પર માર્ગદર્શક બોર્ડ, કચરાના એકત્રીકરણ માટે કચરાપેટી તથા કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે વ્યવસ્થિત ખાડો બનાવી વનસ્પતિ માટે અમૂલ્ય ખાતર તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવેલ.
આ મુલાકાત તથા કામગીરી દરમિયાન નારાયણ સરોવરના ગાદીપતિશ્રી આ.શ્રી સોનલલાલજી મહારાજશ્રી, કોટેશ્વર મંદિરના પૂજારીશ્રી દિનેશ ગીરીજી મહારાજ, લખપત મામલતદાર શ્રી નવીન મારુ સાહેબ તથા નારાયણ સરોવર ગ્રામ પંચાયતના સરપંચશ્રીના પ્રતિનિધિશ્રી રજાકભાઈ તથા વસંતભાઈ તથા મામદભાઈ અને ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો અને ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવેલ. સ્થળ પર યોજાયેલ જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત ભાવિક ભક્તો અને સ્થાનિક વેપારીઓને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા, ભીનો અને સૂકો કચરો ઉપલબ્ધ કરાયેલી અલગ-અલગ કચરાપેટીઓમાં જ નાખવા તેમજ મંદિરમાં ચડાવવામાં આવતાં ફૂલ અને બીલીપત્ર વગેરેનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટર સુધીના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ધાર્મિક ઝોન તરીકે જાળવી રાખવા માટે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોને કરવામાં આવેલ વિનંતીને લોકોએ સક્રિય રહી સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પવિત્ર તીર્થસ્થાનની પવિત્રતા જાળવવી એ સૌની નૈતિક ફરજ અને જવાબદારી છે. એવી શિખ સાથે સૌના સહયોગથી પવિત્ર યાત્રાધામની પવિત્રતાને જાળવી રાખવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
કાર્યક્રમની વ્યવસ્થા અને સંકલન અદાણી સિમેન્ટ તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ.
