બિહારમાં સતત પાંચ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે 14 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. પાંચ હજારથી વધુ સ્કૂલ પૂરના પાણીમાં ડુબી જવાને કારણે બંધ કરવામાં આવી છે.
આમાં સૌથી વધુ પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર અને બેગુસરાયના લોકો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી બિહારમાં 83.6 મિમી વરસાદ નોંધાયો છે. આ સામાન્ય કરતાં 24% વધુ છે.
ભાગલપુરના સુલતાનગંજમાં ગંગાનું પાણી 36.78 મીટર સુધી પહોંચી ગયું છે. આ 2021માં નોંધાયેલા 36.75 મીટરના સૌથી ઊંચા સ્તર કરતાં પણ વધુ છે. અહીં તિલકા માંઝી યુનિવર્સિટીમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ અવરજવર માટે હોડીનો સહારો લઈ રહ્યા છે.
આ તરફ, યુપીના 26 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને લગભગ 4 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સતત વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. બરેલીમાં પ્રાચીન મંદિર રામગંગા નદીમાં સમાઈ ગયું, જ્યારે બારાબંકીમાં સરયૂના પાણીમાં લગભગ 12 મકાનો ડૂબી ગયા. ફર્રુખાબાદમાં 10 દિવસમાં 15 મકાનો ગંગામાં સમાઈ ગયા છે.
જ્યારે, એમપી અને રાજસ્થાનમાં હાલ વરસાદ થંભી ગયો છે. એમપીમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના નથી. રાજસ્થાનમાં 11 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાનો અંદાજ છે. બુધવારે અહીં 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહ્યું.
હવામાન વિભાગે રાજસ્થાનમાં 11 સપ્ટેમ્બરથી વરસાદનો દોર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આ પછી 12 અને 13 સપ્ટેમ્બરે ભરતપુર, જયપુર, અજમેર, કોટા અને ઉદયપુર સંભાગના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
બુધવારે રાજ્યના તમામ શહેરોમાં સવારથી મોડી સાંજ સુધી તડકો રહ્યો. રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી ઉપર નોંધાયું.
