જી.કે.જન. હોસ્પિના નેત્ર વિભાગ દ્વારા સતત ૧૪ દિવસ સુધી ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

અદાણી સંચાલિત ગેઇમ્સ જી. કે. જનરલ હોસ્પિટલના ચક્ષુ વિભાગ દ્વારા ૨૫ મી ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ૪૧માં રાષ્ટ્રિય નેત્રદાન પખવાડિયાની સતત ૧૪ દિવસ સુધી શહેરમાં  લોકજાગૃતિના વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગરજનોને નેત્રદાન માટે પ્રેરિત કરવામાં આવશે સાથે “નેત્રદાનનો એક સંકલ્પ, બે ને દૃષ્ટિ”નું મહાત્મય સમજાવાશે. 

આ પખવાડિયા દરમિયાન જાહેર સ્થળોએ જન સંપર્ક કાર્યક્રમો, પોસ્ટર – બેનર પ્રદર્શન, પેમ્પ્લેટ વિતરણ, સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ, હોસ્પિટલમાં કાઉન્સેલિંગ, ત્રિમંદિર લોકજાગૃતિ કાર્યક્રમ, ડોક્ટર્સ અને વિદ્યાર્થી દ્વારા નાટક મારફતે નેત્રદાન પ્રેરિત કાર્યક્રમો  અને નેત્રદાન  પ્રતિજ્ઞા  જેવા લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.

નેત્ર વિભાગના હેડ ડો. કવિતાબેન શાહના વડપણ હેઠળ સંચાલિત નેત્ર બેન્કના તબીબ સહિત આંખ વિભાગના પ્રોફે. ડો.અતુલ મોડેસરા, પ્રોફે.ડો.સંજય ઉપાધ્યાય, કોર્નિયા કન્સલ્ટન્ટ ડો.લક્ષ્મી આહિર, તેમજ ડો.નૌરિન મેમણ, રેસિ ડોક્ટર્સ ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ચક્ષુદાન અંગે સાચી અને વૈજ્ઞાનિક હકીકતથી લોકોને માહિતગાર કરાશે. આ તબક્કે નેત્રદાન અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ પણ દૂર કરવામાં આવશે. 

નેત્રદાન કાર્યક્રમને લાયન્સ ક્લબ ભુજ, રોટરી ક્લબ અંજાર,અંધ જન કલ્યાણ મંડળ ટ્રસ્ટ માંડવી જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના યોગદાનની પણ સરાહના કરી આભાર માન્યો હતો. ગેઇમ્સ દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને આ માનવ સેવાના મહા અભિયાનમાં સામેલ થવા અનુરોધ કરાયો છે.

Leave a comment