જી.કે.જન.હોસ્પિટલના મનોચિકિત્સકે સમસ્યાને ઓળખી તેના નિરાકરણ માટે સૂચવ્યા ઉપાયો

~ જુગાર હવે માત્ર પરંપરાગત પત્તા જ નહીં ઓનલાઈન બેટિંગ,કાર્ડ ગેમ્સ અને સટ્ટાબાજી સુધી ફેલાયો છે

શરૂઆતમાં શોખ, જીગ્નાસા,મિત્રોનો સંગાથ કે ઘરમાં કોઈને રમતા જોઈ જુગાર રમવાની શરૂઆત કરનાર જુગારી જ્યારે એ કક્ષાએ પહોંચે કે ‘હવે અંતિમ બાજી લગાવી લેવા દે પછી ક્યારેય એ તરફ જોઈશ પણ નહીં’. આવી મનોવૃતિ થાય ત્યારે એ માત્ર આનંદ કે મનોરંજન નથી, પરંતુ એક ગેમ્બલિંગ ડિસઓર્ડર અર્થાત્ એક ગંભીર માનસિક સમસ્યા બની જાય છે.

અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.રિધ્ધિ ઠક્કરના જણાવ્યા અનુસાર આજના સમયમાં જુગાર માત્ર પરંપરાગત પત્તા કે સટ્ટા સુધી સીમિત રહ્યો નથી. ઓનલાઈન બેટિંગ, ક્રિકેટ અને સ્પોર્ટ્સ સટ્ટાબાજી, ઓનલાઈન કેસિનો, કાર્ડ ગેમ્સ, વિવિધ બેટિંગ એપ્સ અને ઝડપી પૈસા કમાવાની લાલચના કારણે  જુગારની સમસ્યા એક ગંભીર સામાજિક અને માનસિક પડકાર બની રહી છે.

જુગાર રમવાની આદત માનસિક સમસ્યા ક્યારે બની જાય તે અંગે તબીબે કહ્યું કે, જુગારી જ્યારે પોતાની જુગાર રમવાની ઇચ્છા પર નિયંત્રણ ગુમાવે છે અને જુગારને કારણે આર્થિક નુકસાન, પરિવારના સંબંધોમાં તણાવ, અભ્યાસ અથવા નોકરીમાં મુશ્કેલી અને માનસિક તકલીફ થતી હોવા છતાં વ્યક્તિ જુગાર ચાલુ રાખે છે, ત્યારે જુગાર માનસિક રીતે પડકાર બની જાય છે.

જ્યારે વ્યક્તિ જુગારમાં જીતે છે ત્યારે મગજમાં ડોપામિન જેવા રસાયણો સક્રિય થાય છે. તેનાથી આનંદ અને ફરી એક વાર પ્રયત્ન કરવો જોઈએ એવી લાગણી ઊભી થાય છે. ખાસ વાત એ છે કે માત્ર જીત જ નહીં, જીતવાની અનિશ્ચિત આશા પણ મગજને સક્રિય કરી શકે છે.

તો મનોચિકિત્સકની મદદ મેળવો:

જો જુગાર  નિયંત્રણ બહાર જઈ રહ્યો હોય તો તેને છુપાવવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. સમસ્યાને ઓળખો, પરિવાર સાથે વાત કરો અને સમયસર મનોચિકિત્સકની મદદ લેવાથી જુગારની આદત કાળક્રમે છૂટી શકે છે. આ બાબતને ખરાબ આદત તરીકે જોવાને બદલે એક માનસિક આરોગ્યની સમસ્યા તરીકે સમજવી જરૂરી છે. કોઈપણ સમસ્યાની સારવાર શકાય છે. માનસિક સારવાર, કાઉન્સેલિંગ/ સાયકોથેરાપી, પરિવારની ભાગીદારી અને જરૂરી હોય ત્યારે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો વ્યક્તિ ધારે તો જુગારને છોડી શકે છે.

શું છે ગેમ્બલિંગ ડિસઓર્ડર:

ગેમ્બલિંગ ડિસઓર્ડર એટલે કે જુગારની લત. આ માનસિક વિકૃતિ છે. જેમાં વ્યક્તિ નુકસાન થવા કે જીવન પર ખરાબ અસર પડવા છતાં જુગાર રમે છે. જે મગજની પ્રેરણાશક્તિ અને નિયંત્રણ પર ઘેરી અસર કરે છે. જુગારની લત માત્ર પૈસાની કે ઇચ્છાશક્તિની સમસ્યા નથી. આપણા મગજમાં આનંદ, ઈનામ, નિર્ણય લેવાની ક્ષમતા અને પોતાની જાતને નિયંત્રિત કરવાની પ્રક્રિયા  સાથે જોડાયેલા કેટલાક ભાગો હોય છે. ગેમ્બલિંગ ડિસઓર્ડરમાં  મગજની આ વ્યવસ્થામાં ફેરફાર જોવા મળે છે.

Leave a comment