કચ્છના ભચાઉ તાલુકાના આંબરડી ગામે પત્નીની ધોકા મારી હત્યા કરનાર પતિની ભચાઉ પોલીસે ધરપકડ કરી છે. આરોપી પતિ ત્રણ દિવસ પહેલા હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણ દિવસ પહેલા સોમવારે આંબરડી ગામના વાડી વિસ્તારમાં રહેતા રમેશ બળવંતસિંહ બારીયાએ તેની પત્ની કૈલાશને જમવાનું બનાવવાનું કહ્યું હતું. પત્ની કૈલાશે જમવાનું બનાવવાની ના પાડતા પતિ રમેશે ઉશ્કેરાઈને ધોકા વડે તેની હત્યા કરી હતી.
ઘટના બાદ આરોપી પતિ રમેશ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હત્યાની જાણ થતા ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. ઝાલાની સૂચનાથી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે ભચાઉ બસ સ્ટેશન પાછળથી ફરાર આરોપી પતિ રમેશને ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
