શહેરના નરોડાના યુવકને એક્સિસ સિક્યુરિટીમાં રોકાણ કરાવવાના બહાને યુવક પાસેથી સાયબર ઠગોએ 50 લાખ રૂપિયા પડાવ્યા છે. ગઠિયાઓએ યુવકને રોકાણ કરાવી શરૂઆતમાં 1 હજાર ઉપાડવા દીધા હતા. જે બાદ પૈસા પરત ન આપી ઠગાઈ કરવામાં આવી હતી. યુવકને વિશ્વાસ અપાવવા AXIS સિક્યુરિટીના સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નવા નરોડામાં રહેતો 35 વર્ષીય યુવક લિફ્ટ બનાવવાની કંપની ચલાવે છે. યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક્સિસ સિક્યુરિટીની શેરમાર્કેટમાં રોકાણ કરવાની રીલ જોઈ હતી. જેના લીંક ઉપર ક્લિક કરતા યુવક ગ્રુપમાં એડ થયો હતો. જે બાદ ગ્રુપમાં લોકો રોકાણ કરી પૈસા કમાયા હોય તેના મેસેજ કરતા હતા. યુવકને ગ્રુપમાંથી એક યુવતીનો ફોન આવ્યો હતો અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. યુવકે એક્સિસ સિક્યુરિટી લખેલી લિંકમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
યુવકને શરૂઆતમાં કહેવામાં આવતું તેમ રોકાણ કરતો હતો. શરૂઆતમાં પાંચ લાખના રોકાણ સામે એપ્લિકેશનમાં નફો બતાવતા હતા. જેમાંથી યુવકે 1000 રૂપિયા ઉપાડ્યા હતા. બાદમાં બીજી રકમ ઉપાડવા જતા VIP સર્વિસ લેવાનું જણાવ્યું હતું જેનો ચાર્જ વધારે હોવાથી યુવકે બાકીની રકમ ઉપાડી ન હતી. યુવકને વિશ્વાસ આવતા 2.5 મહિનામાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે યુવકને 1.22 કરોડ રૂપિયાનો નફો બતાવતા હતા.
યુવકને જ્યારે પૈસા ઉપાડવા 10 ટકા ટેક્સ ભરવાનું કહ્યું ત્યારે યુવકે 12 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો. જે બાદ 6 ટકા સબસ્ક્રીપ્શન ટેક્સના ભરવાનું કહેતા બીજા 7.20 લાખ ભર્યાં હતા. આમ યુવકે લાખો રૂપિયા ભર્યા છતાં નફો કે મૂળ રકમ પરત આપવામાં આવી નહોતી. જેથી યુવકે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
