ગુજરાત હવામાન વિભાગ દ્વારા અમદાવાદીઓનું ટેન્શન વધારતી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે એટલે કે 10 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નાઉકાસ્ટ હેઠળ આગાહી પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લામાં તો સવારથી જ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન છોટા ઉદેપુરના અનેક જિલ્લાઓમાં અઢી ઈંચ પછી સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન વધુ બે ઈંચ ખાબકતાં કુલ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાથી જ તોફાની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી અને આર્મી તથા એનડીઆરએફની ટીમને ખડેપગે રાખવામાં આવી હતી.
