અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. સમુદ્ર, આકાશ અને જમીન પર બંને દેશો સામસામે આવી ગયા છે. ઈરાને અમેરિકાનું કરોડો ડોલરનું ડ્રોન તોડી પાડવા ઉપરાંત જોર્ડન અને કુવૈતમાં આવેલા યુએસ સૈન્ય મથકો પર મિસાઈલમારો કર્યો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, અમેરિકાએ વળતો પ્રહાર કરી ઈરાન પર ભીષણ એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે.
ઈરાની મીડિયા અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના અહેવાલો અનુસાર, ઈરાની સેનાએ બુશેહર પર ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે. આશરે 3.4 કરોડ ડૉલરની કિંમતનું આ ડ્રોન થોડી જ મિનિટોમાં હવામાં નાશ પામ્યું હોવાનો દાવો કર્યો છે.
વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. IRGC નૌકાદળની ચેતવણીને અવગણીને આગળ વધેલા બે ઓઈલ ટેન્કરો ખાણ ક્ષેત્ર (Minefield)માં પ્રવેશતા જ ભયાનક વિસ્ફોટો સાથે સળગી ઉઠ્યા હતા. IRGCએ જાહેરાત કરી છે કે યુએસ સૈન્યની કાર્યવાહીના કારણે હોર્મુઝ સ્ટ્રેટ હવે અત્યંત અસુરક્ષિત છે અને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ ઘટનાને પગલે વૈશ્વિક તેલ બજારમાં ભારે ગભરાટ ફેલાયો છે.
ઈરાને અમેરિકાને ઘેરવા માટે તેના પાડોશી દેશોમાં આવેલા યુએસ સૈન્ય કેમ્પોને નિશાન બનાવ્યા છે. ઈરાની મીડિયાના મતે, અમેરિકાએ ડઝનબંધ એર ડિફેન્સ મિસાઈલો છોડી હોવા છતાં, ઈરાનની ઘાતક મિસાઈલો જોર્ડન સ્થિત ‘મુવફ્ફક સાલ્ટી એર બેઝ’ પર ત્રાટકી હતી, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો તહેનાત છે. આ ઉપરાંત કુવૈતમાં આવેલા યુએસ કેમ્પો પર પણ હુમલા કરાયા છે.
સમુદ્રી તણાવ વચ્ચે યુએસ વાયુસેનાએ ઈરાનની સરહદની અંદર ઘૂસીને પ્રચંડ હુમલા શરૂ કર્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર, ઈરાનના મુખ્ય શહેરો વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે. જેમ કે..
•યઝદ પ્રાંત: મધ્ય ઈરાનના શહેર યઝદમાં એક પછી એક ૫ શક્તિશાળી વિસ્ફોટો થયા છે.
•ખુઝેસ્તાન પ્રાંત (અહવાઝ): દક્ષિણ-પશ્ચિમના શહેર અહવાઝ પર યુએસ મિસાઈલો દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હોવાની સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે.
•ફાર્સ પ્રાંત: દક્ષિણ-પશ્ચિમ ફાર્સ પ્રાંતના લાસ વિસ્તારની બહારના ભાગોમાં પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે.
આ ભયાનક લશ્કરી સંઘર્ષને કારણે સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) મહાયુદ્ધની આગમાં હોમાઈ ગયું છે અને સ્થિતિ પળેપળે વધુ ગંભીર બની રહી છે.
