અમેરિકા સંભાળશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની કમાન, રક્ષણ બદલ વિશ્વ પાસેથી વસૂલશે મોટી રકમ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી અને ચોંકાવનારી જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સ (U.S.) આગામી સમયમાં વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) નું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે. એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ દરિયાઈ માર્ગની સુરક્ષા કરવા બદલ અમેરિકા વિશ્વના દેશો પાસેથી વળતર એટલે કે, પૈસાની અપેક્ષા રાખે છે.

ટ્રમ્પે મીડિયા સમક્ષ આક્રમક વલણ અપનાવતા કહ્યું, ‘અમે તેની રક્ષા કરવા જઈ રહ્યા છીએ, અને આ રક્ષા કરવા બદલ આપણને મોટી રકમ ચૂકવવામાં આવશે. આપણા સૈનિકો અને લોકોને જોખમમાં મૂકવા બદલ અમે ચોક્કસપણે વળતર ઈચ્છીએ છીએ!’

ઈરાન સાથેના તણાવ અને કરારો પર બોલતા ટ્રમ્પે ઉમેર્યું કે, ‘આપણી વચ્ચે એક ડીલ થઈ હતી, પરંતુ તેઓ હંમેશા તેને તોડી નાખે છે! હવે અમે તેમના પર ખૂબ જ જોરદાર પ્રહાર કરીશું. અમે કદાચ પોતે જ આ સ્ટ્રેટ ચલાવીશું અને તેનું સંચાલન કરીશું.’

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, અમેરિકા આ વિસ્તાર માટે એક ‘ગાર્ડિયન એન્જલ’ (રક્ષક)ની ભૂમિકા ભજવશે, અને આ વૈશ્વિક સેવા બદલ અમેરિકાને તેનું પૂરું વળતર મળવું જ જોઈએ. ટ્રમ્પની આ જાહેરાત બાદ મધ્ય પૂર્વ (Middle East)માં ભૌગોલિક-રાજકીય તણાવ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.

Leave a comment