અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ભાવનગર સુધી લંબાવાશે

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ૩ મહિનામાં શરૂ કરાશે. આ એક્સપ્રેસ-વે શરૂ થતાં જ સામાન્ય ટ્રાફિકમાં બે કલાકમાં અમદાવાદથી ભાવનગર પહોંચાશે. હાલ આ મુસાફરીમાં ચાર કલાક જેટલો સમય થાય છે.

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના નેશનલ હાઈવેના કામોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકના પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-૪૮ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.

અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલનપુર-સામખિયાળી કોરિડોરની કામગીરીની ગતિ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનુરોધ કરાયો હતો.

Leave a comment