2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.
26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો છે.
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવર્સિટી PI સહિતનો 120 પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.
18 વર્ષ જૂના બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવવાનો હોવાથી હાઇકોર્ટની બહાર સવારથી ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટના ગેટ પરથી વકીલ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નહોતો. કોર્ટની અંદર પણ અલગ અલગ જગ્યાએ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તહેનાત હતી. 39 નંબરની કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, જે કોર્ટ રૂમની બહાર પણ 40થી વધુ પોલીસનો બંદોબસ્ત હતો. કોર્ટમાં આવનાર તમામને ચકાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. કોર્ટ રૂમની અંદર પણ સ્થાનિક પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચના 2 પીઆઈ અને અન્ય કર્મચારીઓ બંદોબસ્તમાં હતા. આ ઉપરાંત 25થી વધુ વકીલો આ ચુકાદો સંભાળવા આવ્યા હતા. ચુકાદા સમયે કોર્ટ રૂમ એકદમ શાંત હતો. ચુકાદો આવ્યા બાદ બધાએ એકબીજા સાથે ચર્ચા કરી અને ધીરે ધીરે કોર્ટ રૂમની બહાર નીકળ્યા હતા.
વર્ષ 2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
