સામખિયાળી સ્ટેશને પશ્ચિમ રેલ્વેના જીએમ સાથે ગાંધીધામ ચેમ્બરની બેઠક યોજાઇ

ઔદ્યોગિક અને બંદરીય કેન્દ્ર તરીકે વિકસતા કચ્છ પ્રદેશમાં વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા રેલ્વે સુવિધાઓનો વિસ્તાર કરવો અનિવાર્ય બન્યો છે. આ સંદર્ભમાં સામખીયાળી રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડે સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની એક ઉચ્ચ સ્તરીય સકારાત્મક અને શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.

આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના કારોબારી સભ્ય અને પશ્ચિમ રેલ્વેની DRUCC કમિટીના પ્રતિનિધિ રાકેશકુમાર જૈન તેમજ કચ્છના સ્થાનિક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રેલ્વે વહીવટીતંત્ર તરફથી પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ વેદપ્રકાશ, સિનિયર ડીસીએમ અનુ ત્યાગી, સિનિયર ડીઓએમ ડો. ઝેનીયા ગુપ્તા તેમજ ગાંધીધામના એઆરએમ આશિષ ધનિયા ખાસ હાજર રહ્યા હતા અને કચ્છના રેલ વિકાસ અંગે ચર્ચા કરી હતી.

મુસાફરો અને ઉદ્યોગોના હિતમાં વિવિધ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ભુજ-અમદાવાદ ‘નમો ભારત’ ટ્રેનની સેવાઓને બંને દિશામાં મુસાફરો માટે વધુ સુગમ અને વ્યાપક બનાવવી, ચિરઈ શેડ અને સાઈડિંગ સંબંધિત માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, માલગાડીઓના લોડિંગ અને અનલોડિંગની વ્યવસ્થાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવી, માલવહન અને પેસેન્જર સુવિધાઓને વધુ મજબૂત કરવા આગામી આયોજન પર વિચારણા કરાઇ હતી.

ચર્ચા દરમિયાન પશ્ચિમ રેલ્વેના જીએમ રામાશ્રેય પાંડેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં રેલ્વે તંત્ર માલવહન અને મુસાફર સુવિધા વધારવા સતત કાર્યરત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવનારા સમયમાં મુસાફરોને વેઇટિંગની સમસ્યા ન રહે અને માલગાડીઓનું સંચાલન કોઈ પણ અડચણ વગર થાય તે માટે રેલ્વે તંત્ર કટિબદ્ધ છે.

ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનું વલણ કચ્છની જરૂરિયાતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ અને હકારાત્મક રહ્યું છે. આ બેઠકથી આગામી સમયમાં કચ્છના વેપાર, ઉદ્યોગ અને જનસુવિધાઓને મોટો આર્થિક વેગ મળશે.

Leave a comment