જી.કે. જન.અદાણી હોસ્પિટલને રક્ત પૂરું પાડવા વીતેલા વર્ષમાં ૧૨૫૦૦ રક્તદાતાઓએ આપ્યું બ્લડ

~ તાકીદના સંજોગોમાં મળેલું  રક્ત જરૂરિયાતમંદ પરિવાર માટે સ્મિતનું કારણ બની શકે

દર વર્ષે ૧૪મી  જૂનના રોજ  “વિશ્વ રક્તદાતા દિવસ” ઉજવાય છે.  થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સર, અકસ્માત, પ્રસૂતિ અને મોટા ઓપરેશનના દર્દીઓ માટે રક્ત એ ઇમરજન્સીમાં જીવાદોરી સમાન છે. રક્તની એટલી જરૂર છે કે ભારતમાં દર ૨ સેકન્ડે કોઈને કોઈ તાકિદની પરિસ્થિતિમાં લોહીની જરૂર પડે છે.અને  સ્વસ્થ વ્યક્તિનું  લોહી જો સમયસર મળી જાય તો તે કોઈપણ પરિવારનું સ્મિત બની શકે છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલ બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયે લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસોના ભાગરૂપે  આ વર્ષની થીમ “રક્ત આપો આશા આપો અને સૌ સાથે મળી જીવન બચાવીએ” અંગે કહ્યું કે,રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ નથી.માટે જરૂરિયાતમંદને લોહીની જરૂરિયાત માટે ડોનર્સે જ આગળ આવવું પડશે.

દર્દીનો  જીવ બચાવવા જી.કે.ના બ્લડબેંક દ્વારા   રક્તદાતાઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.ઇન હાઉસ અને  કેમ્પ મારફતે રક્ત એકત્રિત કરવામાં આવે છે. હોસ્પિટલમાં  વીતેલા વર્ષ જૂન ૨૦૨૫ થી મે ૨૦૨૬ દરમિયાન કચ્છમાં  જુદા જુદા કેમ્પ અને સ્થાનિક ઈન્હાઉસ મારફતે ૧૨૫૪૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

રક્તદાનથી કોઈ જ નબળાઈ નથી આવતી:

રક્તદાન કોણ કરી શકે એ અંગે તબીબના જણાવ્યા મુજબ ૧૮ થી ૬૫ વર્ષની વયના, ૪૫ કિલોથી વધુ વજન ધરાવતા,  ૧૨.૫ થી હીમોગ્લોબિન વધુ ધરાવતા સ્વસ્થ સ્ત્રી-પુરુષ દર 3 મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાનથી નબળાઈ આવતી નથી. શરીર ૨૪ થી ૪૮ કલાકમાં રક્તનું પ્રમાણ પૂરું કરી દે છે.રક્તદાનથી કોઈ રોગ થતો નથી. દરેક વખતે નવી, જંતુરહિત કીટ વપરાય છે. રક્તદાન પ્રક્રિયા સંપૂર્ણ સલામત અને માત્ર ૮-૧૦ મિનિટની જ છે.

ગેઈમ્સની વિશેષ પહેલ:

જી.કે.ખાતે  બ્લડબેંકમાં ન્યૂમેટિક ટ્યુબ સિસ્ટમ કાર્યરત થઈ છે. હવે દાતા દ્વારા આપવામાં આવતું લોહી બ્લડ બેંકમાંથી ICU, OT કે વોર્ડમાં ગણતરીની ક્ષણોમાં જ પહોંચી જશે.આમ હવે આ દાન  ઝડપી અને સલામત રીતે જરૂરિયાતમંદ સુધી પહોંચશે.

Leave a comment