પૂર્વ કચ્છ સાયબર પોલીસે બેંક ખાતા ભાડે આપતું નેટવર્ક ઝડપ્યું

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનેગારોને બેંક ખાતા ભાડે આપતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર હજુ ફરાર છે. આ નેટવર્ક દ્વારા દેશભરમાં 90 જેટલા સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હતા.

પોલીસે ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં મજૂર વર્ગના લોકોને કમિશનની લાલચ આપીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ખોલાવતા આ નેટવર્ક પર દરોડા પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા (રહે. મેઘપર બોરીચી), જયનીત ભરતભાઈ કાર (રહે. કિડાણા સોસાયટી), ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા (રહે. અંતરજાળ) અને શબ્બીર અકબર લુહારનો સમાવેશ થાય છે.

આ કેસમાં જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા (રહે. મેઘપર બોરીચી), રાજભા ગાંડુજી વાઘેલા (રહે. ગળપાદર), કીંગ ડેવીડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર (રહે. ગાંધીધામ) અને દિપક ઠક્કર (રહે. ગાંધીધામ) હજુ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓ બેંક કીટ અને ઈમેઈલ આઈડીની વિગતો વોટ્સએપ દ્વારા શ્રીલંકા મોકલતા હતા.

ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ નેટવર્ક વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી ઇન્વેસ્ટમેન્ટ અને જોબ ફ્રોડ સહિતની કુલ 90 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

Leave a comment