~ ૧૬ વીકની પ્રેગનન્સીમાં ગર્ભાશય ફાટી જવાથી સર્જાયેલી જટિલ, દુર્લભ અને જાનલેવા સ્થિતિનું કરાયું સફળ ઓપરેશન
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ૧૬ વીકની પ્રેગનન્સીમાં ગર્ભાશય ફાટી જતાં સ્ત્રીરોગ, સર્જરી, બ્લડ બેંક અને એનેસ્થેસિયા વિભાગના સહિયારા પ્રયાસો અને ઓપરેશનથી ગર્ભાશયની કોથળી કાઢી માતાનો જીવ બચાવી લવાયો હતો.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ધર્મી વેલાણીએ અને ડો.મહેક પિંડોરિયાએ કહ્યું કે, ગર્ભાવસ્થામાં કોથળી ફાટવી એક ઇમરજન્સી, જટિલ અને દુર્લભ ચિકિત્સા અને જાનલેવા સ્થિતિ હોય છે. ગર્ભમાં થતા દબાણને કારણે ગર્ભાશયની દિવાલ ફાટી જાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.
તબીબોના જણાવ્યા મુજબ જુદી જુદી બે ખાનગી હોસ્પિટલમાંથી બહેન અત્રે આવ્યા ત્યારે તેમની ગંભીર અને નાજુક સ્થિતિ હતી. (હાઇ રિસ્ક એડમિશન) ૪ મહિનાની પ્રેગ્નન્સી હતી. અગાઉ તેમણે બે સિઝેરિયન કરાવેલા. લોહીની માત્રા માત્ર ૫ ટકા જ હતી.બી.પી. લો હતું.ધબકારા વધતા હતા.સોનોગ્રાફીમાં ખાતરી કરી છેવટે વિભાગના હેડ ડૉ. પ્રફુલ્લાબેન કોટકના માર્ગદર્શન તળે ઓપરેશન કરી ગર્ભાશયની કોથળી દૂર કરાઇ.
આ ઓપરેશનમાં સર્જરી અને એન્સ્થેટિક્સ વિભાગ સહયોગી રહ્યા ઉપરાંત હોસ્પિટલની બ્લડબેંકની ભૂમિકા ખૂબ સરાહનીય રહી હતી. ૩૬ જેટલા બ્લડ યુનિટના કોમ્પોમેન્ટ બ્લડબેંકના હેડ ડો.જિગ્નાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પૂરા પાડવામાં આવ્યા હતા. મહિલાનો જીવ બચાવવામાં લોહી ચડાવવાની ભૂમિકા કારગર પુરવાર થઈ હતી. આ ઓપરેશન વિવિધ તજજ્ઞોની (મલ્ટી ડિસિપ્લિનરી) દેખરેખ તળે કરવું જરૂરી હતું. કારણકે કિડની સહિત અનેક સંવેદનશીલ અંગો ઉપર જોખમ રહેલું હોય છે.
ગર્ભાવસ્થામાં કોથળી ફાટી જવાની મેડિકલ ઇમરજન્સીને નજરઅંદાઝ ન કરવી:
ગર્ભાશયનું ફાટી જવું એક મેડિકલ ઇમરજન્સી છે. અગાઉ સી – સેક્શન સિઝેરિયન થઈ હોય,ગર્ભાવસ્થામાં વધુ શ્રમથી વાગી જવાથી પણ ગર્ભાશય ફાટી શકે છે.જો ગર્ભાશય ફાટી જાય તો પેટમાં અચાનક તીવ્ર દુખાવો થવો, યોનીમાર્ગે ખૂબ લોહી પડવું,બી.પી.લો,પેટમાં રહેલા બાળકના ધબકારા વધી જવા જેવા ગંભીર ચિહ્નો જણાય તો તુરંત સ્ત્રીરોગ નિષ્ણાતની સંપર્ક કરવો.
