12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ‘અતુલ્યમ હોસ્ટેલ’ની બિલ્ડિંગ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, ત્યારે આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ડોક્ટર અને પીજી વિદ્યાર્થીઓ માટે મોટી રાહતરૂપ જાહેરાત કરી છે.
અસારવારમાં આવેલી સિવિલ હોસ્પિટલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં હવે ₹105 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નુકસાન પામેલા ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગના વળતર પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને ₹53.12 કરોડ ચૂકવશે.
દુર્ઘટના સમયે હોસ્ટેલમાં કૂલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં બિલ્ડિંગ અસુરક્ષિત જાહેર થતા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓની રહેણાંક સુવિધા ખોરવાય નહીં તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વારા નવી હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
મેઘાણીનગર ખાતે આઇજીપી કમ્પાઉન્ડ ન્યૂ મેન્ટલ કેમ્પસમાં નવી હોસ્ટેલ બનાવાશે. મેડિકલ ક્ષેત્રે વધારાની 48 સુપર સ્પેશિયાલિટી બેઠકોને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષમાં કૂલ 236 ડોક્ટર્સ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે પૂરતી જમીન ફાળવી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં અંદાજિત ₹51.84 કરોડ સામે ₹34.65 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપવામાં આવી છે.
નવી ‘અતુલ્યમ 1થી 7’ પીજી હોસ્ટેલ G+8 માળના આધુનિક સ્ટ્રક્ચર સાથે તૈયાર થશે. દરેક ફ્લેટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ સ્ટાઇલમાં બનાવશે. જેમાં લિવિંગ રૂમ, એટેચ કિચન, બેડરૂમ અને ટોયલેટની સુવિધા રહેશે. આ ઉપરાંત હોસ્ટેલમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ, આર.ઓ. પ્લાન્ટ, મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા જેવી સુવિધાઓ પણ ઉપબલ્ધ રહેશે.
વિદ્યાર્થીઓની સુખારી માટે વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ, અપરિણીત પીજી વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસ, આધુનિક મેસ, જીમ, રીક્રીએશન રૂમ અને આકર્ષક લેન્ડસ્ક્રેપિંગનું પણ આયોજન કરાયું છે.
