પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી સરકારની રચના માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી પંચે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ અધિસૂચના રાજ્યપાલને મોકલી આપવામાં આવી છે, જે રાજ્યમાં નવી સરકારના શપથ ગ્રહણ અને લોકતાંત્રિક પ્રક્રિયાના આગામી તબક્કાની શરૂઆત કરશે. આ પગલું મમતા બેનરજી માટે ઝટકો માની શકાય છે જેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવારે ચૂંટણી પંચ દ્વારા નવી વિધાનસભાના ગઠન માટેની સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવી હતી. આ અધિસૂચના રાજ્યપાલને મોકલવાની સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક રીતે અંત આવ્યો છે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો છે.
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નવી વિધાનસભાની રચના માટે નોટિફિકેશન બહાર પાડવું એ એક મહત્વપૂર્ણ બંધારણીય પ્રક્રિયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચ દ્વારા નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે નિર્ધારિત નિયમો મુજબ સરકાર રચવાના આગામી પગલાં લેવામાં આવશે.
8 મેના રોજ ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે અને આગામી 9 મે ના રોજ બંગાળમાં ભાજપની નવી સરકારનું ગઠન થઇ શકે છે અને શપથ સમારોહ યોજાઈ શકે છે. તેમાં વડાપ્રધાન મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થવાના છે.
