ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે 4મે સોમવારે સાંજના અરસામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કચ્છના ભચાઉ તાલુકાના ગામડાઓ કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ, ચોબારી સહિતના ગામોમાં આજે સોમવારે સાંજના અરસામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે દિવસે કમોસમી વરસાદ થયો હતો.
ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જ્યારે ખેડૂતોના પાક તલ, જુવાર, ઇસબગુલ , એરંડા, મગ, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે રાત્રિના 9 વાગ્યા સુધી ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં પવનની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે.
આજે પાંચ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. સૌથી વધુ રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીમાં ઘટાડો થતા તાપમાનનો પારો 40 ડિગ્રીને નીચે ઉતર્યો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાન કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. વધુમાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે.
પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
