આઇટી કંપની વિપ્રોએ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (Q4FY26)ના પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે (YoY) કંપનીનો નફો 1.87% ઘટીને 3,502 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં આ આંકડો 3,569 કરોડ રૂપિયા હતો.
જોકે, પાછલા ક્વાર્ટર (ડિસેમ્બર)ની સરખામણીમાં નફામાં 12%થી વધુની રિકવરી જોવા મળી છે. પાછલા એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 3,119 કરોડ રૂપિયા હતો. વિપ્રોએ 16 એપ્રિલે પરિણામો જાહેર કર્યા છે.
- માર્ચ ક્વાર્ટરમાં વિપ્રોનો કુલ રેવન્યુ 24,236 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના આ જ ક્વાર્ટર (22,504 કરોડ રૂપિયા)ની સરખામણીમાં 7.69% વધુ છે.
- પાછલા ક્વાર્ટર (ડિસેમ્બર)માં કંપનીનો રેવન્યુ 23,555.8 કરોડ રૂપિયા હતો, જેનાથી આ વખતે 3%નો સુધારો થયો છે.
વિપ્રોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 15,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની મંજૂરી આપી દીધી છે. કંપની આ શેર તે રોકાણકારો પાસેથી ખરીદશે જેમની પાસે રેકોર્ડ ડેટ સુધી વિપ્રોના સ્ટોક હશે. વિપ્રોએ આ બાયબેક માટે પ્રતિ શેર 250 રૂપિયાની કિંમત નક્કી કરી છે.
BSE પર બુધવારે કંપનીનો શેર 210.20 રૂપિયા પર બંધ થયો હતો. આ દૃષ્ટિએ કંપની તેના રોકાણકારોને વર્તમાન બજાર ભાવથી લગભગ 19% વધુ (પ્રીમિયમ) ભાવ આપી રહી છે. તેનો સીધો ફાયદો તે શેરધારકોને થશે જેઓ પોતાના શેર કંપનીને પાછા વેચશે.
વિપ્રો કુલ 60 કરોડ શેર પાછા ખરીદશે. આ કંપનીની કુલ શેર કેપિટલનો 5.7% હિસ્સો છે. જોકે, આ બાયબેકને હજુ કંપનીના શેરધારકોની મંજૂરી મળવાની બાકી છે. આ પછી જ તેની અંતિમ તારીખ (રેકોર્ડ ડેટ) નક્કી કરવામાં આવશે.
વિપ્રો લિમિટેડ એક અગ્રણી ટેકનોલોજી સર્વિસિસ અને કન્સલ્ટિંગ કંપની છે. 65 દેશોમાં તેની હાજરી છે. અઝીમ પ્રેમજીને 1966માં 21 વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી વિપ્રોનો કંટ્રોલ વારસામાં મળ્યો હતો.
પ્રેમજીએ સાબુ અને વેજીટેબલ ઓઇલનો કારોબાર કરતી કંપની વેસ્ટર્ન ઇન્ડિયા વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડને અમેરિકન કંપની સેન્ટિનલ કમ્પ્યુટર કોર્પોરેશન સાથે મળીને 1980માં IT કંપની તરીકે રજૂ કરી.
