અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગે શરીરને હાઇડ્રેટ રાખવા થી લઈને કપડાં,આહાર સહિતની સાવચેતીના સૂચવ્યા ઉપાયો

કચ્છમાં તીવ્ર ગરમી, હીટવેવ અને સતત ઉંચે જતા પારા વચ્ચે અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગે શરીરને હાઇડ્રેટ (પાણીની પર્યાપ્ત માત્રા જાળવવી)રાખવા થી લઈને કપડાં,આહાર સહિતની સાવચેતી રાખવા અંગેની વ્યૂહરચના સૂચવી છે.

કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ અને પ્રોફે ડૉ.શ્રેયસ મહેતાએ અને એસો.પ્રોફે. ડો.નીરવ નિમાવતે જણાવ્યું કે, હાલમાં ભીષણ ગરમી અંગે હવામાન ખાતાએ આગાહી કરી છે, એ સાથે અત્યારે તીવ્ર ગરમી પડી રહી છે.આવા સંજોગોમાં પ્રાથમિકતા સ્વરૂપે શરીરને હાઇડ્રેટ રાખવાની અત્યંત આવશ્યકતા છે.પાણી ખૂબ પીવું.તરસ ના લાગે તો પણ નિયત અંતરે પાણી પીતા રહેવું.

બપોરે ધૂપમાં ૧ થી ૪ વાગ્યા સુધી શકય હોય ત્યાં સુધી બહાર નીકળવું નહીં.છતાં જવું જ પડે તો સન ગ્લાસ અને ટોપી પહેરવી,સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો,સુપાચ્ય અને હળવો ખોરાક લેવો,બહારનું ખાવાનું તો ટાળવું,બાળકો અને વડીલોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.કેમકે હિટવેવ તેમને જલ્દી અસર કરે છે.ડાયાબિટીસ અને હાયપરટેન્શન દર્દીઓએ નિયમિત દવા લેતા રહેવું.ગરમીમાં ઘણી વાર સ્ટ્રોકથી પણ સાવધ રહેવું. ઉપરાંત શિરદર્દ,ચક્કર આવવા,કમજોરી કે ઝાડા ઉલ્ટી જણાય તો તુરત તબીબનો સંપર્ક કરવો.

ગરમીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે.મલેરિયા અને ડેન્ગ્યુ પણ સંભવી શકે તેવી સ્થિતિમાં પાણી ખુલ્લું રાખવું નહીં અને શક્ય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું.

ગરમીમાં વધુ પડતા ખાંડવાળા પીણાંથી દૂર રહેવું:

સામાન્ય રીતે તાપ અને ગરમીમાં લોકો ઠંડકનો આગ્રહ રાખે છે.ઠંડા પીણા પીવે છે,પરંતુ અતિ ઠંડી ચીજવસ્તુ લેવી નહીં.હાઇડ્રેશન તો માત્ર ફળો જ આપી શકે.તરબૂચ,કાકડી,નારંગી,નાળિયેર પાણી,લીંબુ પાણી શરીરને સાચવવાના શ્રેષ્ઠ વિકલ્પ છે.ઓઆરએસ લઈ શકાય,પરંતુ ગરમીમાં દારૂ,કેફીન અને વધુ પડતા ખાંડવાળા પીણાં  ટાળવા હિતાવહ છે.ઉપવાસ દરમિયાન શરીરને લિંબુ પાણીથી હાઇડ્રેટ રાખી શકાય.

Leave a comment