અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં “પ્રોજેક્ટ કવચ” અંતર્ગત મેડિકલ કોલેજના વિધાર્થીઓ,નર્સિંગ સ્ટાફ અને સોડેક્સો કર્મચારીઓ સ્વસુરક્ષાના પાઠ ભણી સ્વબચાવ માટે સક્ષમ બની શકે એ હેતુસર તેમને માનસિક અને શારીરિક રીતે મજબૂત કરવા સ્વબચાવનો અભ્યાસ કરાવવામાં આવે છે.
મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સિક્યુરિટી વિભાગના હેડ કેપ્ટન ક્રિષ્ન ગુરુંગના જણાવ્યા અનુસાર સ્વબચાવની ટેકનીકનો અભ્યાસ છેલ્લા દોઢ વર્ષથી સમયાંતરે આપવામાં આવે છે.અત્યાર સુધી અંડર ગ્રેજ્યુટ,પોસ્ટ ગ્રેજ્યુટ છાત્રો અને નર્સિંગ સહિતની જુદી જુદી બેચને તાલીમ આપવામાં આવી છે. સ્વબચાવ ટેકનિકનો અભ્યાસ શિસ્ત,આત્મવિશ્વાસ અને એકાગ્રતા વધારે છે.
આ તાલીમમાં સ્વ બચાવની ટેકનીક,સલામતીની યુક્તિ સાથે એવી પ્રયુક્તિ પણ શીખવવામાં આવે છે કે, જેમાં જાતનો બચાવ કેમ કરવો એ શીખવવામાં આવે છે. આ તરકીબ ઉપરાંત સીધો મુક્કો(ફ્રન્ટ પંચ), કિક ફટકારવી (ફ્રન્ટ કિક)અને ઘૂંટણના પ્રહાર (ની સ્ટ્રાઇક) વિગેરેના દાવની તાલીમ આપવામાં આવે છે.
શું છે સ્વબચાવ તાલીમનો આદર્શ?
સ્વ બચાવના પણ કેટલાક મંત્ર અને આદર્શ છે, જેમાં નિરંતર અભ્યાસના આધારે શારીરિક અને માનસિક મજબૂતી કરવી, સ્વ બચાવની ભૂમિકા રચવી,ક્રોધ અને ભાવનાઓ ઉપર નિયંત્રણ કરવું,અહંકાર ત્યાગી વિનમ્ર બનવું અને જાતનું સમ્માન વધારવું મુખ્ય છે.
