58,811 મેટ્રિક ટન LPG ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે ભારત તરફ આવવા રવાના

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂનીમાં ફસાયેલા જહાજો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે 58,811 મેટ્રિક ટન LPG ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. 

હુમલાખોરો અથવા ખોટી ઓળખના જોખમથી બચવા માટે આ જહાજે પોતાની ખાસ રણનીતિ અપનાવી છે. તેના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) સિગ્નલમાં ‘ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂ’ (Indian Ship, Indian Crew) નો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી તેની લોકેશન સતત ટ્રેક થઈ શકે અને કોઈ સંભવિત ખતરો ટાળી શકાય. 

‘ગ્રીન સાન્વી’ આગળ વધી ગયું હોવા છતાં, ‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ નામના બે અન્ય LPG ટેન્કરો હજુ પણ હોર્મુઝ પાસે સ્થિર છે. આ બંને જહાજોને સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર હજુ સુધી આગળ વધવાની મંજૂરી મળી નથી. ઉલ્લેખનીય છે કે, હજુ પણ તેલ અને ગેસથી ભરેલા ઓછામાં ઓછા 15 ભારતીય જહાજો હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને ગેસનો 20% હિસ્સો પસાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી આ ટેન્કરોનું સુરક્ષિત રીતે પહોંચવું દેશની ઊર્જા સુરક્ષા અને ગેસના ભાવની સ્થિરતા માટે અત્યંત જરૂરી છે.

Leave a comment