ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સ્ટેટ ઈલેક્શન કમિશનના તાજેતરના નિયમો અને ચૂંટણી અધિકારીઓ માટે લાગુ એડવાઈઝરી મુજબ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેશનનો કોઈ પણ કોન્ટ્રાક્ટ ધરાવતા કે ભાગીદારી હિત ધરાવતા કે નફાકારક હોદ્દો ધરાવતા ઉમેદવારની ઉમેદવારી ગેરલાયક ઠરશે. ઉપરાંત ઉમેદવારનું નામ છેલ્લી મતદારયાદીમાં નામ હશે તો જ ઉમેદવારી માન્ય ગણાશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારીની ચકાસણી અને ઉમેદવારી માટેની લાયકાતો સહિતના વિવિધ મુદ્દે નિયમો સાથેની એડવાઈઝરી જાહેર કરાઈ છે. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી ક્યારે ગેરલાયક ઠરશે તે અંગેની જોગવાઈઓ પ્રમાણે મહાનગરપાલિકાના કોઈ કોન્ટ્રાક્ટર પોતે અગર ભાગીદાર તરીકે કોઈહિત ધરાવતા હોય કે કોઈ કામમાં ધંધાકીય રીતે હિત ધરાવતા હોય કે નફાકારક હોદ્દો ધરાવતા હોય તેવા ઉમેદવારોના ફોર્મ ગેરલાયક થશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારનું નામ છેલ્લે પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં હોવુ જોઈએ અને ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાવા માટે 21 વર્ષથી વધુનો હોવો જોઈએ.
ઉમેદવારીપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારે 21 વર્ષ પુરા કર્યા છે, તેવા પુરાવા પણ આપવાનો રહેશે. જો કોઈ નૈતિક અધઃપતનના ગુનામાં છ માસથી વધુ સજા થઈ શકે તેવા ગુના સબબ કોઈપણ કોર્ટે કેદની સજા ફરમાવી હોય તેવા કિસ્સામાં પણ ઉમેદવારી ગેરલાયક ઠરી શકે છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિયન 1949ની કલમ 10 હેઠળ જુદા જુદા સંજોગોમાં ઉમેદવારી ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ કરાઈ છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ વિસ્તાર કે વોર્ડના નોંધાયેલ મતદાર કે વ્યક્તિ અન્ય વિસ્તારમાં કે વોર્ડમાં ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ જે વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયું હોય તે વોર્ડના મતદાર તરીકે દરખાસ્ત કરનાર અથવા ટેકો આપનારનું નામ નોંધાયેલ મતદાર તરીકે હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની તથા દરખાસ્ત કરનારની અને ટેકો આપનારની સહીઓ સાચી હોવી જોઈએ.
ઉમેદવારી આ સંજોગોમાં ગેરલાયક ઠરશે
•1955ના પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ હેઠળ કોઈ ગુનામાં સજા થઈ હોય અને સજાને પાંચ વર્ષ ન થયા હોય.
•નાદાર જાહેર થયા હોય.
•કોર્પોરેશનના કમિશનર કે અન્ય નફાકારક હોદ્દો કોર્પોરેશન હેઠળ ધરાવતા હોય.
•કોર્પોરેશન તરફથી લાયસન્સ ધરાવતા સર્વેયર, આર્કિટેક્ટ, ઈજનેર, સ્ટ્રક્ચરર, ડિઝાઈનર, કારકુન-પ્રબંધક કે વ્યક્તિગત રીતે કોઈ પેઢીના ભાગીદાર તરીકે હોય.
•મહાનગરપાલિકાની હકુમતના વિસ્તારમાં કોઈ ન્યાયિક હોદ્દો ધરાવતા હોય.
•કોર્પોરેશનના કોઈ કોન્ટ્રાક્ટર પોતે અગર ભાગીદાર તરીકે કોઈ હિત ધરાવતા હોય.
•કોર્પોરેશનના કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર સમક્ષ ચાલતા કોઈ કામમાં ધંધાકીય રીતે હિત ધરાવતા હોય.
•કોર્પોરેશનનું કોઈ પણ બિલ-માંગણું ભરપાઈ ન કર્યું હોય અને તેમને કોર્પોરેશનને નોટિસ આપ્યા બાદ ૩ માસની અંદર કોઈ લેણું ભરવાનું ચૂક્યા હોય.
ચૂંટણી પંચના નિયમો મુજબ એસસી, એસટી કે પછાતવર્ગના હોવા અંગેનો ઉમેદવાર દાવો જો સ્વીકારવામાં ન આવે અને ઉમેદવાર સામાન્ય ઉમેદવાર છે તેવું સાબિત થાય તો આવા ઉમેદવાર પાસેથી બાકીની 1500 રૂપિયાની રકમ ડિપોઝિટ તરીકે લેવાની રહેશે. પરંતુ અગાઉ માત્ર 1500 રૂપિયાની ડિપોઝિટ ભરી હતી તે કારણે સંપૂર્ણ ઉમેદવારી પત્ર અન્યથા બરાબર હોય તો રદ થતું નથી એટલે ખૂટતી રકમ તાત્કાલિક ભરવાની લેખિત સૂચના આપવાની રહેશે.
