~ ઓટિઝમના દર્દીઓને વર્તણૂંક ઉપચાર આપી તેમનામાં સુધારો લાવી શકાય
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ વિશ્વ ઓટિઝમ દિવસ ૨જી એપ્રિલ નિમિતે જણાવ્યું કે અત્રે આ સ્થિતિના માસ દરમિયાન સરેરાશ ૧૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.દર્દીઓ ખાસ કરીને બાળકોને વર્તણૂક ઉપચાર (થેરાપી) અને તેમના વાલીઓને તેમની સંભાળ માટે સમજણ આપવામાં આવે છે કેમકે ઓટિઝમ એક એવી માનસિક બીમારી છે જેમાં વર્તણૂક થેરાપી આપી સુધારો કરી શકાય છે.
મનોચિકિત્સક ડો.નીરવ ચાનપાએ અને ડો.નિસર્ગ પરમારે કહું કે,આ એક એવી બીમારી છે,જે મસ્તિષ્કના વિકાસ સાથે જોડાયેલી એક ન્યૂરો ડેવલપમેન્ટ સ્થિતિ છે.નાનપણથી દેખાય છે. તેમણે ઉમેર્યું કે,બાળક કે કોઈપણ પીડિત સામાજિક ક્રિયા પ્રતિક્રિયા,વાતચીત,નજર ન મિલાવવી,વારંવાર એકજ હરકતો ને વાતચીત કરવી, એકલતા પસંદ કરવી,વધુ પડતો અવાજ અને રોશની પણ તેમને અસર કરે છે.દિનચર્યામાં બદલાવ આવે તો પણ તેઓ વિરોધ કરે છે તેવા લક્ષણો જોવા મળે છે.
ડો.ખુશી ગણાત્રાએ આમ થવાના કરણો અંગે જણાવ્યું કે, વારસાગત,ગર્ભાવસ્થા દરમિયાન માનસિક તાણની અસર બાળક ઉપર પડે ત્યારે,અધૂરા માસે બાળક જન્મવું અને પર્યાવરણ પરિબળો પણ જવાબદાર હોય છે.તબીબો બાળકનો વિકાસ જોઈ નિદાન કરે છે અને તે મુજબ જરૂરી થેરાપી સારવાર કરે છે.
આ વિભાગના કાઉન્સેલર હેતલબેન ગોહિલ દ્વારા આવા દર્દીઓને થેરાપી આપે છે. નિદાન થયા બાદ તેમનામાં ક્રમશઃ સુધારા માટે સ્પીચ થેરાપી મુખ્યત્વે અપાય છે. ઓટિઝમ દર્દીઓને સંવેદનશીલતા થેરાપીથી પણ ફાયદો જોવા મળે છે.
