રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમજ આજથી(8 ઓગસ્ટ, 2025) તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે.
આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી. તેમજ જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે 15મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યોએ પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
વધુમાં અધ્યક્ષે જણાવ્યું હતું કે 8 થી 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટહુકમ ગૃહમાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. 6 સપ્ટેમ્બર, 2025 શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
