ગાંધીનગર કમલમ ખાતે આજે 8 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્યપ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સંગઠન મંત્રી રત્નાકર સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં આગામી 15 ઓગસ્ટને લઈને યોજનારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અભિયાનને લઈને વાતચીત કરવામાં આવી તેને લઈને ખાસ ઉદ્દેશ અને દરેકને પોતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના ઇન્ચાર્જ વીડી શર્માના જણાવ્યા અનુસાર આજે અમારી કાર્યશાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી સમગ્ર દેશમાં કરી રહ્યા છીએ. તે અંતર્ગત અમે આજે ગુજરાતમાં આ કાર્યશાળા યોજી રહ્યાં છીએ. ગુજરાતમાં પહેલેથી જ આની તૈયારી છે. ગુજરાતના દરેક મંડળ અને બુથ પર તિરંગા યાત્રા નિકળશે. માત્ર રાજકીય લોકો જ નહીં સામાજિક લોકો પણ જોડાશે.
આ અભિયાન પાછળનું કારણ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા છે. અમે આ અભિયાનને જમીન પર ઉતરવાનો પ્રયાસ છે. આ અભિયાન હેઠળ કાર્યકર્તા ગુજરાતના દરેક ઘરે તિરંગો પહોંચાડશે. બોર્ડર વિસ્તારમાં દેશના નવજવાનોને સન્માનિત કરવામાં આવશે. 14 ઓગસ્ટ 1947માં થયેલી ઘટનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. પાકિસ્તાનના નરસંહાર પણ દેખાડવામાં આવશે.
આ રીતે તિરંગા યાત્રાનું સંપૂર્ણ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક ઘરે તિરંગો પહોંચાડે તેનું પણ આયોજન બેઠકમાં કરવામાં આવ્યું. જોકે, તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના છતાં 30થી વધુ ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર હતા. કેટલાક સાંસદો પણ આ બેઠકમાં ગેરહાજર હતા.
ઉપરાંત વિવાદમાં રહેલા ગુજરાતના મંત્રી બચુભાઈ ખાબડ ઉપરાંત કેટલા યુવા ધારાસભ્યો જેવા કલ્પેશ ઠાકોર, જયેશ રાદડિયા, હાર્દિક પટેલ જેવા ધારાસભ્યોની પણ સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
