આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે, ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના પૂરમાં નવસારીમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલ ભયજનક સપાટીએ વહી રહી છે, વલસાડના મધુબન ડેમના 10 દરવાજા 1.80 મીટર ખોલાયા; કચ્છમાં નદી-નાળાં છલકાયાં

નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂરની સ્થિતિને જોતાં નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. જ્યારે કચ્છના નખત્રાણામાં રાતના 2થી સવાર સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 209 તાલુકામાં એક મિમીથી 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોઁધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતાં મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા છે, 16 લો લાઈન રસ્તા બંધ કરાયા છે.

આજે એટલે કે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઇંચ, ડાંગના સુબીરમાં 5.28 ઇંચ, કચ્છના ભુજમાં 5 ઇંચ, સુરતના બારડોલીમાં 4.92 ઇચ, સુરતના પલસાણામાં 4.45 ઇંચ, કચ્છના નખત્રાણામાં 4.4 ઇંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 23 તાલુકામાં બે ઇંચથી 4 ઈંચ વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે 48 તાલુકામાં એક ઇંચથી 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે પણ સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે. બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાંક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યાં હતાં. વાંસદામાં 52 રસ્તા બંધ થયા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.

  • કચ્છ : મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસની હાજરી આપી છે. જૂનમાં 50.1 મિમી (2 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
  • ઉત્તર ગુજરાત : મેઘરાજાએ 15 દિવસની હાજરી આપી છે. જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
  • મધ્ય-પૂર્વ ગુજરાત : મેઘરાજાએ 17 દિવસની હાજરી આપી છે. જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
  • સૌરાષ્ટ્ર : મેઘરાજાએ 11 દિવસની હાજરી આપી છે. જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
  • દક્ષિણ ગુજરાત : મેઘરાજાએ સૌથી વધુ 19 દિવસની હાજરી આપી. જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.

Leave a comment