માતાની ગોદમાં ઉછરતી જિંદગીને પણ પર્યાવરણના પરિવર્તનથી પડતો સખત તાપના પ્રભાવિત કરી શકે

પર્યાવરણ અને જળવાયું પરિવર્તનની અસરને કારણે  પ્રખર અને ચામડી દઝાડતો તાપ માનવીના સમગ્ર જીવનને તો અસર કરે છે,પરંતુ માતાની કૂખમાં ઉછરતી જિંદગીને  પણ પ્રભાવિત કરતો હોવાથી આવા તાપથી ગર્ભવતી માતાઓએ  બચવું જોઈએ,એમ સ્ત્રી રોગ વિભાગના તબીબો દ્વારા ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. 

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર લેવા આવતી મહિલાઓને ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન  નિમિતે  સ્ત્રીરોગ વિભાગના ડો.અશરફ મેમણે ગરમીના અને ખાસ કરીને સખત તાપના દિવસોમાં સગર્ભા માતાઓને સખત તાપની થતી અસર અંગે કહ્યું કે, તીવ્ર ગરમીની અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર જ નહીં, પરંતુ માતાની જિંદગીને પણ પ્રભાવિત કરે છે અને ઘણીવાર પ્રિ- ટર્મ ડિલિવરી અર્થાત્ સમય પહેલા પ્રસૂતિ પણ થઈ જાય છે.

તેમણે જણાવ્યું કે,બાળકનો વિકાસ ઓછો થાય,ઓછા વજનનું બાળક જન્મી શકે,ગર્ભાવસ્થા દરમિયાન અતિ ગરમીને કારણે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની અસર વધી જાય છે, તેવામાં હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા વધી જાય છે.જેની બાળક ઉપર પણ અસર થાય છે.

તબીબોએ  પ્રેગ્નન્ટ મહિલાઓએ ગરમીથી બચવા  પોતાને અને બાળકને સાચવવા માટે સીધા તાપથી બચવું,તડકામાં બહાર નીકળવાનું ટાળવું, કોટનનાં કપડા પહેરવાં,જો બહાર જવાનું થાય તો છત્રીનો ઉપયોગ કરી શકાય.પૂરતું પાણી પીવું પણ જરૂરી હોવાનું કહ્યું હતું.

ગરમીના દિવસોમાં કામ કરતી મહિલાઓને પણ માર્ગદર્શન આપતા સ્ત્રીરોગ વિભાગના ડો.ખુશ્બુ પટવા તેમજ ડો.કરિશ્મા ગાંધીએ કહ્યું કે,કેટલીકવાર ગરમીને કારણે ફર્ટિલિટી સબંધી હોર્મોન્સનું અસંતુલન થઈ જતું હોય છે,ત્યારે ગર્ભધારણની પણ મુશ્કેલી સર્જાય છે.આ પ્રસંગે તેમણે ગર્ભધારણ સબંધી મુશ્કેલી,તકલીફો,જાતની સંભાળ,જીવનશૈલી, જેવી સલાહ આપી હતી  અને કુદરતી વાતાવરણનું સાનિધ્ય કેળવવા ઉપર ભાર મૂક્યો હતો.

Leave a comment