માંડવી તાલુકાના મોટી ઉનડોઠ ગામે કચ્છ સિંચાઇ વિભાગ (રાજ્ય)ના 24 ચેકડેમોની સુધારણા રૂા. 10.55 કરોડના ખર્ચે તેમજ મોટી મઉં તાલુકા પંચાયત બેઠક હેઠળનાં ગામોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2.30 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મોટી ઉનડોઠ પં. પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું.
ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વરસાદી પાણીનું ટીપેટીપું સંગ્રહ કરી શકાય તે અર્થે આજનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તા. 6ના શેરડી ખાતે વધુ 13 કરોડનાં સિંચાઇનાં કામોનું ખાતમુહૂર્ત કરાશે. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઘરવપરાશમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી. પ્રકૃતિ અને પર્યાવરણનાં જતન માટે સૌને આગળ આવવા આહ્વાન કર્યું હતું. જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજાએ વર્તમાન ભાજપ સરકારના શાસનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને લાખો-કરોડોનાં વિકાસકામો ગામડાંમાં સાર્થક થયાં છે. વિવિધ સવલતોનો વ્યાપ પણ વધ્યો છે. તેમણે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજોનું પાલન કરવા સૌને અપીલ કરી હતી. જિ.પં. સદસ્ય કેશવજીભાઇ રોશિયાએ ડબલ એન્જિનની ભાજપ સરકારમાં વિકાસનાં ફળ છેવાડા સુધી પહોંચ્યા છે અને ગામડાંઓ વધુ સમૃદ્ધ બન્યા હોવાનું જણાવ્યું હતું.
તા.પં. સદસ્ય પ્રતિનિધિ બળવંતસિંહ જાડેજાએ તેમના વિસ્તારમાં સાર્થક થયેલાં વિવિધ વિકાસકામોનો અહેવાલ આપી ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઇ ગઢવી, તા.પં. પ્રમુખ કેવલભાઇ ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોષી, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજ ગઢવી સહિતનું સન્માન કરાયું હતું. બટુકસિંહ જાડેજા, નીલેશ મહેશ્વરી, મુરજીભાઇ ગઢવી, દિલીપસિંહ જાડેજા, દેવાયત ગઢવી, પરેશ ભાનુશાલી, ગોપાલ ગઢવી, નવીન જોષી, વિરમ ગઢવી, સન્મુખસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદગર બાવાજી, હરિભાઇ ગઢવી, દશરથસિંહ જાડેજા, ભાવેશ સંગાર, પરમજીતસિંહ જાડેજા, ચંદુભાઇ વાડિયા, ખીમરાજ ગઢવી, મોહન મહેશ્વરી, હેમત દેઢિયા, રાજેશ મારાજ, કરમશી ગઢવી, ભાવેશ ગઢવી, મયૂરસિંહ જાડેજા તેમજ આગેવાનો અને સિંચાઇના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન વિક્રમસિંહ પઢિયાર, માણેકભાઇ ગઢવી અને આભારવિધિ બળવંતસિંહ જાડેજાએ કરી હતી. ખાતમુહૂર્ત પૂજનવિધિ કાનજીભાઇ જોષીએ કરી હતી.
