~ મહિલાના પેટમાં ગર્ભાશયથી નાભિ સુધી પ્રસરેલી અને અનેક શારીરિક તંત્રોને વિક્ષેપિત કરતી 21x15x14 સે.મી.ની જટિલ ગાંઠ દૂર કરાઈ
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબોએ યુવા મહિલાના પેટમાં નાભિ સુધી પહોંચી ગયેલી અને પાચનતંત્ર તથા પ્રજનનતંત્રને વિક્ષેપિત કરતી ગાંઠ વધુ જટિલ અને નુકસાન કારક બને તે પહેલાં જ શસ્ત્રક્રિયા કરી 21x15x14 સે.મી.સુધી વિસ્તરેલી ગાંઠને(ફાઇબર થીકોમાં) દૂર કરી મહિલાને ભયજનક સ્થિતિમાંથી બચાવી લીધી હતી.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ખુશ્બુ પટવા અને ડો.ગ્રીષ્મા શેઠે આ સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, સ્ત્રીરોગ વિભાગના હેડ ડો. પ્રફુલ્લાબેન કોટકના માર્ગદર્શન તળે ઓપરેશન કરવામાં આવ્યું હતું.એક લાખે એકને થતી આવી ગાંઠનું સમયસર ઓપરેશન ન થાય તો ભવિષ્યમાં કેન્સરનું રૂપ પણ ધારણ કરી શકે છે.આ ગાંઠથી મહિલાનું શ્વસનતંત્ર અને યુરીન પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ રહ્યી હતી.
તબીબોના જણાવ્યા મુજબ ભુજના સીદી સલમા બેનને છેલ્લા ૫ મહિનાથી પેટમાં દુખાવો હતો.ખોરાકનું પાચન પણ થતું ન હતું.સોનોગ્રાફી કરાવતાં ગાંઠ જોવા મળી જે નાભિ સુધી વિકાસ પામી હતી.જે પાચનતંત્ર,પિતાશયને દૂષિત કરતી હતી.આંતરડાને ધક્કો મારતી હતી ખાસ તો ગર્ભાશય એકબાજુ દબાઈ ગયું હોવાથી તેની જટિલતા વધી ગઈ હતી.
આટલી મુશ્કેલી નિવારવા શસ્ત્રક્રિયા જ અંતિમ ઉપાય હોવાથી તેમ કરવું જરૂરી હતું. દર્દીએ સંમતિ આપતા પેટની ગાંઠને ગર્ભાશય અને આંતરડાથી છૂટી કરી ગાંઠ બહાર કાઢવામાં આવી.આ શસ્ત્રક્રિયામાં જી.કે.ના ડો.નિરાલી વઘાસિયા એનેસ્થેટિક ડો. ક્રિષ્ના કારા અને તેમની સમગ્ર ટીમ, તબીબો, નર્સિંગ સ્ટાફે જહેમત લીધી હતી.
તબીબોના જણાવ્યા મુજબ આવી ગાંઠ થવાનું કોઈ વિશિષ્ટ કારણ નથી પણ સામાન્ય સંજોગોમાં આકાર લેતી હોય છે, જો દવાથી ન મટે તો તબીબોનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવવું આવશ્યક છે.
