અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર (AVMA) ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ વર્ષે લિંગ સમાનતાના મુખ્ય થીમ આધારિત ઉજવણીમાં કેમ્પસ તિરંગાના રંગમાં રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અદાણી સિમેન્ટના સીઈઓ અજય કપૂરે ધ્વજારોહણ (Flag Hoisting) કરાવ્યું હતું. જેમાં કોર્પોરેટ અફેર્સના કુંતલ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
AVMA લિંગભેદ નહીં, લિંગ સમાનતામાં માને છે, શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એકસમાન છે. પ્રજાસત્તાક પર્વે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય મહિલાશક્તિને સન્માન અને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં સૌપ્રથમ નેતૃત્વ કરતી મહિલાઓમાંથી પ્રેરણા મળે તે હેતુથી તેમને વિવિધ સ્વરૂપે યાદ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામન પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા દીપા મલિક, પ્રથમ મહિલા IAS અધિકારી સ્મિતા સભરવાલ વગેરેનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રસેવાને સમર્પિત એનસીસી પરેડે ઉપસ્થિત જનમેદનીનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. વિદ્યાર્થીઓએ વૈશ્વિક લક્ષ્યો SDG 12, SDG 5 વગેરેનું સંકલન કરતી રચના દ્વારા ટેલેન્ટ પ્રદર્શિત કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવી હતી. ઓનલાઈન પરીક્ષાઓ, ખેલ મહાકુંભ-2024 અને ઈન્ટર હાઉસ ઈવેન્ટ્સના વિજેતાઓને ગેસ્ટ ઓફ ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રભક્તિમાં તરબોળ AVMAના વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ સૌને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો જીવનમાં ઉતારવા પ્રેરિત કર્યા હતા. ગણતંત્રદિનની ઉજવણીના સમાપનમાં ગ્રાન્ડ ફિનાલે પર્ફોર્મન્સમાં કેમ્પસ ત્રિરંગી પેસ્ટલ્સથી રંગાઈ ગયું હતું.
બાળકોને જવાબદાર અને સક્ષમ નાગરિક બનાવવા અદાણી પબ્લીક સ્કૂલના મિશનનું અભિન્ન અંગ છે. શાળામાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોનો સમન્વય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મોર્નિગ એસેમ્બલીથી માંડીને સાપ્તાહિક ક્લબ પ્રવૃત્તિઓ, રચનાત્મકતા ઉભરતી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડે છે.
