ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, જ્યાં હારેલા ઉમેદવારની હાજરીમાં EVM મશીનોની તપાસ કરવામાં આવશે. મુંબઈની ચાંદીવલી બેઠક પરના વિવાદ બાદ હાઈકોર્ટે આ મહત્ત્વનો આદેશ આપ્યો છે. ભારતમાં જ્યારથી ચૂંટણીમાં EVMનો ઉપયોગ શરૂ થયો છે, ત્યારથી અત્યાર સુધી ક્યારેય ચૂંટણી પરિણામો બાદ મશીનોની ટેકનિકલ તપાસ થઈ નથી. પરંતુ હવે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ સોમશેખર સુંદરેસને એક મોટો આદેશ આપીને નવી પરંપરા સ્થાપિત કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનની હાજરીમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના એન્જિનિયરો EVMની તપાસ કરશે. નસીમ ખાન મુંબઈની ચાંદીવલી બેઠક પરથી શિવસેનાના દિલીપ લાંડે સામે ચૂંટણી હારી ગયા હતા, ત્યારબાદ તેમણે આ પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું.
મુંબઈ ઉપનગર જિલ્લાના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમે માહિતી આપી છે કે, આગામી 16 અને 17 એપ્રિલના રોજ આ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ EVM તપાસનો આદેશ આપવામાં આવે, ત્યારે ચૂંટણી પંચે બે મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
નસીમ ખાને એપ્રિલ 2024 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા માંગ કરી હતી કે, દરેક મતવિસ્તારના ઓછામાં ઓછા 5% EVM મશીનો (કંટ્રોલ યુનિટ, VVPAT અને બેલેટ યુનિટ) ના માઇક્રોકન્ટ્રોલરની તપાસ થવી જોઈએ. આ આદેશ હેઠળ હવે ઓછામાં ઓછા 20 EVM મશીનોની તપાસ કરવામાં આવશે.
ચાંદીવલી બેઠક પર શિવસેનાના દિલીપ લાંડેને 1,24,641 મતો મળ્યા હતા, જ્યારે નસીમ ખાન 1,04,016 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધનનો ભવ્ય વિજય થયો હતો, પરંતુ વિપક્ષ દ્વારા સતત EVM સાથે છેડછાડના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
