બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
નીતીશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે. જે બાદ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
નીતીશ કુમારના સ્થાને કોણ? આ સવાલનો જવાબ શોધવા દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે, જે બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે, ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા 14 એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે. વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ ‘નીતીશ મોડલ’ પર જ કામ કરશે.
વર્ષ 2005: નીતીશ કુમાર લોકસભા સાંસદ હતા અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકે કામ કરી ચૂક્યા હતા. 24 નવેમ્બર 2005ના રોજ તેમણે સીએમ તરીકે શપથ લીધા અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું.
વર્ષ 2026: 10મી વખત બિહારના સીએમ બન્યા બાદ માત્ર 4 મહિનામાં જ તેમનો મોહભંગ થયો અને હવે રાજ્યસભા વાયા ફરી દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.
