દક્ષિણ લેબેનોનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ લેબેનોનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. લેબેનોનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઈટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.
ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઈફા શહેર પર ‘એડવાન્સ્ડ મિસાઈલો’ વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહ્યા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનોનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઈઝરાયલની ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વધતા તણાવને કારણે લેબેનોન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
