ગુજરાત પોલીસ દ્વારા ભારતનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ લોન્ચ

ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજ્ય સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લીધો છે. ડ્રગ્સના ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ઘણી વખત જટિલ NDPS (નશાબંધી) કેસોમાં મજબૂત પુરાવા હોવા છતાં નાની પ્રક્રિયાત્મક ખામીઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી જતા હોય છે. ‘NARIT AI’ નો મુખ્ય હેતુ આવી ખામીઓને દૂર કરી તપાસને વધુ વૈજ્ઞાનિક અને પુરાવા-લક્ષી બનાવવાનો છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય (Conviction Rate વધારી શકાય).

કેવી રીતે કામ કરે છે ‘NARIT AI’?

રિયલ-ટાઈમ વિશ્લેષણ: તપાસ અધિકારી જેવી FIR અપલોડ કરશે, કે તરત જ આ સિસ્ટમ કેસનું ઊંડું વિશ્લેષણ કરશે.

માર્ગદર્શન: આ ટૂલ કેસની મજબૂતી અને નબળાઈઓ દર્શાવશે અને આગળ કયા કાનૂની પગલાં લેવા જોઈએ તેનું રિપોર્ટ સ્વરૂપે સૂચન આપશે.

ઐતિહાસિક ચુકાદાઓનો ડેટા: આ એપ્લિકેશન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હજારો ચુકાદાઓ તેમજ NDPS, BNS અને BNSS જેવા કાયદાઓના ડેટાબેઝ પર આધારિત છે, જેનાથી તપાસ અધિકારીને તૈયાર કાનૂની સંદર્ભો મળી રહેશે.

ચોકસાઈ: આ ટૂલ ઓપન ઇન્ટરનેટ પર નિર્ભર ન હોવાથી તેમાં ભૂલો (Hallucinations) થવાની શક્યતા નહિવત છે.

આ મહત્વપૂર્ણ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલને આખરી ઓપ અપાયો છે, જેમાં વડોદરા રેલવે SP અભય સોનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા કટિબદ્ધ છે. ટેક્નોલોજીના માધ્યમથી હવે તપાસ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સના સોદાગરો સામે કાયદાનો ગાળિયો વધુ કડક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘NARIT AI’ ના આગમનથી ગુજરાત પોલીસ હવે હાઈટેક બનીને ડ્રગ માફિયાઓ સામે મોરચો માંડશે.

Leave a comment