~ સ્વસ્થ નાગરિક જ મજબૂત અને શક્તિશાળી રાષ્ટ્ર અને સમાજનોનો પાયો છે
ધસમસતો વિકાસ, અદ્ભુત ટેકનિકલ પ્રગતિ અને આધુનિક જીવનશૈલી વચ્ચે વ્યક્તિઑ જો કંઈ પણ ઉપેક્ષા કરતા હોય તો તે છે પોતાનું સ્વાસ્થ્ય. દર વર્ષે ૭ એપ્રિલના રોજ મનાવવામાં આવતો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ માત્ર એક હેલ્થ પ્રતીક નથી, પણ માનવી માટે ચેતવણી છે કે, જો સ્વાસ્થ્ય પ્રત્યે આંખ આડા કાન કરશો તો ભૌતિક પ્રગતિ નિરસ લાગશે.
આજકાલ સમાજમાં હરિફાઈ અને સફળતાની દોડ એટલી તેજ થઈ ચૂકી છે કે, વ્યક્તિ શરીર અને મનની જરૂરિયાતને નજર અંદાજ કરી રહ્યો છે. અનિયમિત દિનચર્યા, જંકફૂડ, વધતું પ્રદુષણ અને માનસિક તણાવે ગંભીર અને મોટું સ્વાસ્થ્ય સંકટ સર્જ્યું છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ વિશ્વ હેલ્થ ડે નિમિતે વધુમાં કહ્યું કે, સ્વસ્થ જીવનશૈલી માટેની પ્રથમ શરત તો આરોગ્યપ્રદ રંગબેરંગી ભોજનની થાળી છે.આખું અન્ન,મૌસમી શાકભાજી,ફળ વિગેરેનો સમાવેશ થાય છે. પોષણ આહારમાં રહેલા વિટામિન અને ખનિજ તથા પ્રોટીન તત્વો મળતા તે શરીરનું ચાલક બળ બની રહેછે.સાથે શારીરિક સક્રિયતા પણ આવશ્યક છે.દિવસના ૨૪ કલાકમાંથી ૩૦ મિનિટ તો વોકિંગ કે કોઈ કસરત માટે ફાળવવી પડે,જેથી હાડકાં,માંસપેશી મજબૂત બને.વજન પ્રબંધન અને ઊંઘ પણ સક્રિય જીવનશૈલીનો મહત્વનો ભાગ છે.
સ્વસ્થતા માટે અન્ય મહત્વનું પરિબળ પાણી છે.નિયમિત સમયાંતરે પર્યાપ્ત પાણી પીવાથી શરીરને ઉર્જા મળી રહે છે.મસ્તિષ્ક સક્રિય રહે છે.પાચનતંત્ર સુદ્રઢ બને છે. હાઇડ્રેશન જળવાઈ રહે છે.પર્યાપ્ત પાણી સાથે આવશ્યક ૭ – ૮ કલાકની ઊંઘ પણ હોવી જોઈએ. ઊંઘથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.આ બંને સાથે તણાવ પ્રબંધન પણ એટલું જ જરૂરી છે.યોગ,પ્રાણાયામ અને નિરંતર વ્યાયામથી આ કાર્ય સરળ બને છે.પરિણામે હાયપરટેન્શન ઓછું થાય છે અને એકાગ્રતા વધે છે.
શરીરને કેટલીક બિનઆરોગ્યપ્રદ શૈલી પણ બગાડે છે જેમકે,રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ, પ્રોસેસ્ડ ફૂડ,રેડમીટ,બજારૂ ખાધ્ય પદાર્થો, જેવા ભોજન અને વ્યસનને કારણે ડાયાબિટીસ,કેન્સર, હૃદયરોગ વધી રહ્યા છે.વધતી ઉમર સાથે વ્યક્તિ નિષ્ક્રિય બની જવાથી મેદસ્વિતા વધે છે, જે અનેક રોગો માટે કારક બને છે.દેશમાં ૬૦ વર્ષથી અધિક ઉંમરના ૧૫ કરોડ લોકો જુદી જુદી બીમારીથી પીડિત છે.આમ હવે સમય આવી ગયો છે કે,આરોગ્ય સાચવો કારણ કે સ્વસ્થ નાગરિક જ મજબૂત અને શક્તિશાળી રાષ્ટ્ર તથા સમાજનો પાયો છે,એમ ડો. હિરાણીએ વધુમાં જણાવ્યું.
