કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે જિલ્લામાં ઉપલબ્ધ 9 હજાર જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ‘ફર્સ્ટ લેવલ ચેકિંગ’ આજે સાંજે પૂર્ણ થશે.
આગામી 11 એપ્રિલના રોજ આ તમામ ચેક થયેલા EVM મશીનોને જે-તે તાલુકા મથકો પર રવાના કરવામાં આવશે. ત્યાં આ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે ‘સ્ટ્રોંગ રૂમ’માં રાખવામાં આવશે. મતદાનના એક દિવસ પૂર્વે, કચ્છના તમામ 1896 મતદાન મથકો પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ અવરોધ ન આવે.
ચૂંટણી કામગીરીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે આગામી 9 અને 10 એપ્રિલના રોજ જિલ્લાના 10 હજાર જેટલા કર્મચારીઓ માટે તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં મતદાન પ્રક્રિયા, EVMનું સંચાલન, ફોર્મ ભરવાની પદ્ધતિ અને આકસ્મિક સંજોગોમાં લેવાના પગલાં અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 8355 જેટલા અધિકારી-કર્મચારીઓ મતદાન મથકો મતદાનના દિવસે હાજર રહેશે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે તે માટે 1178 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છના બંને એસપી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ ઇવીએમ મશીનો સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પોલીસ સ્કોર્ટિંગની વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત દરેક મતદાન મથક પર પૂરતી સુરક્ષા ગોઠવવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે એક સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
