SIM બાઈન્ડિંગના નિયમને લઈને સરકારનો મોટો નિર્ણય

જો તમે WhatsApp, Telegram અથવા અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે SIM-બાઇન્ડિંગ જેવા નવા કડક નિયમો લાગુ કરવાની તારીખ હાલ પૂરતી ટાળી દીધી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ(DoT) દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે આ નિયમો 31 ડિસેમ્બર, 2026 સુધી અમલમાં આવશે નહીં. ઉદ્યોગ જગતની રજૂઆતો અને ટેકનિકલ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયસીમા વધારવાનો નિર્ણય લીધો છે, જેથી હાલમાં યુઝર્સે કોઈ નવા ફેરફારનો સામનો કરવો પડશે નહીં.

આ નિયમ મુજબ, તમે જે મોબાઈલ નંબરથી કોઈ મેસેજિંગ એપમાં લોગ-ઈન કરો છો, તે જ SIM કાર્ડ તમારા ફોનમાં હોવું ફરજિયાત બનશે. જો ફોનમાંથી SIM કાર્ડ કાઢી નાખવામાં આવે, બદલવામાં આવે કે બંધ થઈ જાય, તો એપ આપમેળે લોગ-આઉટ થઈ જશે અથવા ફરીથી વેરિફિકેશન માંગશે. આ નિયમનો મુખ્ય હેતુ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા વધારવાનો અને સાયબર ફ્રોડ રોકવાનો છે. જોકે, એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર આ સિસ્ટમ સેટ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવાથી હાલ તેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે.

નવા પ્રસ્તાવમાં એવી પણ ચર્ચા હતી કે WhatsApp Web કે Telegram Web જેવા પ્લેટફોર્મ દર 6 કલાકે આપમેળે લોગ-આઉટ થઈ જશે અને યુઝરે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગ-ઈન કરવું પડશે. પરંતુ હાલમાં આ નિયમને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે માત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો જ સેશન ખતમ કરવામાં આવશે. અગાઉ આ નિયમો ફેબ્રુઆરી 2026 સુધીમાં લાગુ કરવાના હતા, પરંતુ હવે 31 ડિસેમ્બર, 2026 સુધી યુઝર્સ પહેલાની જેમ જ કોઈપણ અવરોધ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશે.

Leave a comment