પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે જિલ્લાફેર બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધ-ઘટ અને આંતરિક જિલ્લાફેર બદલીની કામગીરી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા ફેર બદલી કેમ્પ માટેનું શેડ્યુઅલ જાહેર કરાયું છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.

પ્રા. શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી દ્વારા બહાર પાડેલી સૂચના મુજબ, જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક (ધો.6 થી 8) શાળાના તમામ માધ્યમના શિક્ષકો માટે જિલ્લાફેર બદલીની ઓનલાઈન અરજી 21થી 23 એપ્રિલ દરમિયાન સ્વીકારવામાં આવશે.

શિક્ષકોને અરજી કરતી વખતે શિક્ષણ વિભાગના ઠરાવ, નિયમો અને માર્ગદર્શિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે.

એકવાર અરજી સબમિટ થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નહીં મળે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ મુજબ આગળના તબક્કાની તારીખો વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

શિક્ષકોને જિલ્લા ફેર બદલી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ અપાઈ છે. જિલ્લા ફેર બદલીના આદેશો કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય તેવું પણ સ્પષ્ટ કરાયું છે.

Leave a comment