~ લેસર ઓપરેશનથી જટિલ અને મોટી સર્જરી ઝડપી અને અસરકારક બને છે
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ દ્વારા વેરિકોઝ વેઇન્સ એટલે કે પગમાં સુજેલી ભૂરા રંગની નસો અને વસ્કુલર ડિસીઝ અર્થાત્ નસોમાં રક્ત સંચારના રોગો તેમજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઉપર સર્જન્સની કાર્ય પ્રણાલી વધુ પ્રભાવશાળી બને એ માટે વ્યાખ્યાન માળા યોજાઈ હતી.
આણંદ ખાતેના રાજ્યસ્તરના વેરિકોઝ વેઇન્સ રોગોના જાણીતા નિષ્ણાત અને સર્જન ડો.જયેશ પટેલે આ રોગનું લેસર ઓપરેશન કરી જીવંત નિદર્શન કરી માર્ગદર્શન કર્યું હતું અને ભુજની કે.કે.પટેલ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો.તેજેન્દ્રપ્રસાદ રામાણીએ રેડિયો ઇમેજ દ્વારા સચોટ નિદાન અને ઉપચાર ઉપર ઉપયોગી માહિતી આપી હતી.
ડૉ.પટેલે શસ્ત્રક્રિયાનું નિદર્શન કરતાં કહ્યું કે, વેરિકોઝ વેઈન્સમાં લેસર પધ્ધતિથી કરાતા ઓપરેશનથી આ પ્રકારની ગંભીર અને મોટી સર્જરી ઝડપી અને અસરકારક બને છે.તેમણે ઉમેર્યું કે, સામાન્ય દેખાતી વેરિકોઝ વેઈન્સ એક ગંભીર સમસ્યા છે. પગની મોટી નસમાં બ્લોકેટ થાય તો તે બ્લડ કલોટ તૂટીને શરીરના અન્ય ભાગોમાં પ્રસરી શકે છે અને તેમાંય જો ફેફસા અને મગજની નસોમાં પહોંચે તો જીવલેણ સાબિત થઈ શકે છે.
હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના વડા ડો.રાજેશ ગોરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વ્યાખ્યાન પ્રસંગે રેસિડેન્ટ્સ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
વેરીકોઝ વેઇન્સના કારણ,લક્ષણો અને જોખમ:
વેરીકોઝ વેઇન્સમાં પગની પગની ત્વચા નીચે સૂજેલી આડી અવળી અનેક ભૂરા રંગની નસો ઉપસી આવતી હોય છે, જે ખરાબ રક્ત સંચાર અને કમજોર વાલ્વને કારણે થાય છે. આ રોગના લક્ષણોમાં પગની નસો ફૂલી જાય,દુખાવો થાય અને ભારેપણું લાગે છે. ત્વચામાં ફેરફાર પણ થાય છે.લાંબા સમય સુધી ઊભા રહેવાથી,સ્થૂળતા અને ધૂમ્રપાનને કારણે આ સમસ્યા થાય છે.
