પશ્ચિમ એશિયાના વર્તમાન ભૌગોલિક-રાજકીય સંકટ વચ્ચે, અદાણી મુંદ્રા પોર્ટ ભારતીય નિકાસકારોની વહારે આવ્યું છે. ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે પર્શિયન ગલ્ફ (પર્સિયન અખાત) માં જહાજોની અવરજવર લગભગ થંભી ગઈ છે. આ તણાવને કારણે પશ્ચિમ એશિયા તરફ જતો ભારતનો હજારો ટન માલ (કાર્ગો) બંદરો પર અટવાઈ પડ્યો છે. તેવામાં નિકાસકારોની ચિંતા દૂર કરવા અને આર્થિક બોજ ઘટાડવા માટે અદાણી મુંદ્રા પોર્ટે ભારે છૂટછાટ જાહેર કરી છે.
નિકાસ કન્ટેનરોને મુંદ્રા પોર્ટ દ્રારા ટર્મિનલ પર ૧૫ દિવસ સુધી નિ:શુલ્ક રાખવાની સુવિધા અપાશે. ઉપરાંત રીફર ચાર્જમાં ૮૦% કાપ આપવામાં આવશે. જે કન્ટેનરમાં બગડી જાય તેવી ચીજવસ્તુઓ (જેમ કે ફળ, શાકભાજી કે દવાઓ) હોય છે, તેને સતત વીજળી (Reefer Plug-in) ની જરૂર પડે છે. આ ચાર્જમાં ૮૦ ટકાનો જંગી ઘટાડો કરાયો છે. આ માફીથી હજારો કન્ટેનરના માલિકોને કરોડો રૂપિયાની બચત થશે.
સત્તાવાર આંકડાઓ મુજબ, દેશભરમાં અંદાજે ૭૦,૪૦૦ TEUs (૨૦ ફૂટના કન્ટેનર) ફસાયેલા છે, જેમાંથી અડધાથી વધુ જથ્થો ગુજરાતના અદાણી મુંદ્રા પોર્ટ અને APM ટર્મિનલ્સ પીપાવાવ પર છે. નિકાસકારોની ચિંતા દૂર કરવા મુંદ્રા પોર્ટે દ્રારા અપાયેલી ખાસ છૂટછાટ પૈકી ૧૫ દિવસ ફ્રી સ્ટોરેજ, રીફર ચાર્જમાં ૮૦% કાપ સહિત અન્ય માફીની જાહેરાત પણ કરવામાં આવી છે.
અન્ય છૂટછાટોની વાત કરીએ તો, કન્ટેનરના લોડિંગ-અનલોડિંગ અને આંતરિક પરિવહનનો ખર્ચ પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી બંદર પરની કામગીરી વધુ સુગમ બનશે અને નિકાસકારો પરનું વધારાનું ભારણ ઓછું થશે.
ભારત સરકારના પોર્ટ્સ અને શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ની પશ્ચિમમાં હાલમાં ૨૦ ભારતીય જહાજો પર ૫૪૦ નાવિકો અટવાયેલા છે. આ મુશ્કેલ સમયમાં મુંદ્રા જેવા ખાનગી બંદરો અને અન્ય સરકારી બંદરો દ્વારા અપાયેલી આ છૂટછાટ ભારતીય નિકાસકારોને મોટા આર્થિક નુકસાનથી બચાવશે. આ છૂટછાટ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ ખોરવાયેલા વેપાર જગત માટે એક મજબૂત ‘બુસ્ટર ડોઝ’ છે.
મુંદ્રા પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી રાહતો ભારતીય નિકાસકારો માટે ‘સંકટ સમયે સાંકળ’ સમાન સાબિત થઈ છે.
