ઉત્તરાખંડ-છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દેશના ઘણા ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડું, વરસાદ અને કરા પડવાનો દોર ચાલુ છે. IMD અનુસાર 18 માર્ચથી મજબૂત પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે. આ કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં બે દિવસ સુધી થયેલા વરસાદ અને કરા પડ્યા બાદ ગરમીથી રાહત મળી છે. સોમવારે રાજ્યના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું હતું. રાત્રે ઠંડક વધવાથી કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઘણી જગ્યાએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ હતી. શામલી જિલ્લામાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. પૂર્વીય યુપીમાં પણ ઝરમર વરસાદ થયો અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું. હવામાન બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો અને પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો.

છત્તીસગઢમાં મંગળવારે ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાયું અને ઘણી જગ્યાએ વરસાદ સાથે કરા પડ્યા. ગરિયાબંધ જિલ્લાના આમામોરા-ઓડ પહાડી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું રહ્યું. અહીં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા. એક દિવસ પહેલા જિલ્લામાં આકાશી વીજળી પડવાથી એક યુવક દાઝી ગયો હતો.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં લાહૌલ-સ્પીતિ, કુલ્લુ, ચંબા અને કિન્નૌરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ. ગોંડલામાં 23.5 સેમી, કેલાંગમાં 20 સેમી અને મનાલીમાં લગભગ 5 સેમી બરફ પડ્યો. હવામાન વિભાગે કુલ્લુ, મંડી અને શિમલામાં કરા પડવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

મેઘાલયમાં પણ ખરાબ હવામાનની અસર જોવા મળી. રી-ભોઈ જિલ્લામાં સોમવારે રાત્રે ભારે પવન અને ભારે વરસાદથી 1,028 ઘરોને નુકસાન થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 5,000 લોકો પ્રભાવિત થયા છે. સૌથી વધુ નુકસાન ઉમલિંગ અને જીરાંગ બ્લોકના ગામોમાં થયું. તોફાનથી પાક અને પશુધનને પણ નુકસાન થયું, જ્યારે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો.

Leave a comment