હવે મનગમતી સીટ માટે ફ્લાઈટ ટિકિટમાં નહીં ચૂકવવો પડે એકસ્ટ્રા ચાર્જ

સિવિલ એવિએશન મંત્રાલયે ઘરેલું હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, એરલાઇન્સને દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના આપવી પડશે. આ નિર્દેશો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર લાગુ પડશે.

આ ઉપરાંત, એક જ PNR (બુકિંગ રેફરન્સ) પર મુસાફરી કરતા મુસાફરોને એકસાથે બેસાડવામાં આવશે, અને તેમને પાસપાસેની સીટ પર બેસાડવામાં આવે તે વધુ સારું રહેશે.

વર્તમાન નિયમોમાં, મુસાફરો માટે ફક્ત 20% સીટ જ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના બુક કરી શકાય છે, જ્યારે બાકીની સીટ માટે ચૂકવણી કરવી પડે છે.

આ પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે એરલાઇન્સ સીટ પસંદ કરવા સહિતની ઘણી સેવાઓ માટે ખૂબ જ વધારે શુલ્ક વસૂલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં એરલાઇન્સ સીટો પસંદ કરવા પર 500થી 1200 રૂપિયા વધારાનો ચાર્જ લે છે.

સિવિલ એવિએશન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલું એવિએશન માર્કેટ બની ગયું છે. ભારતીય એરપોર્ટ હવે દરરોજ 5 લાખથી વધુ મુસાફરોને સંભાળી રહ્યા છે. ઉડાન યોજનાથી ભારતમાં હવાઈ યાત્રા હવે ફક્ત ધનિક લોકોનો અધિકાર ન રહેતા, બધા માટે સુલભ બની ગઈ છે.

દેશમાં હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે, જેમ કે ઉડાન યાત્રી કેફે, જ્યાં સસ્તું ભોજન મળે છે, ફ્લાયબ્રેરીમાં પુસ્તકો મફત વાંચવા મળે છે અને ટર્મિનલ પર ફ્રી વાઇ-ફાઇ.

Leave a comment